યમનના દરિયાઈ વિસ્તાર નજીક એક મોટી દરિયાઈ દુર્ઘટના બનતા અટકી ગઈ છે. ભારતીય માલવાહક જહાજ ‘MSV ફૈઝ નૂરે ઓલિયા’ પર અચાનક અજ્ઞાત દિશામાંથી આવેલા એક પ્રોજેક્ટાઈલ (રોકેટ કે મિસાઈલ) વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ટક્કરના કારણે જહાજનું સંતુલન બગડી ગયું હતું અને તેમાં પાણી ભરાઈ જતાં તે દરિયામાં ઊંધું વળીને ડૂબી ગયું હતું.

યમન કોસ્ટ ગાર્ડે ચલાવ્યું સફળ રેસ્ક્યૂ ઓપરેશન
ઘટનાની જાણ થતાં જ યમન કોસ્ટ ગાર્ડ તુરંત સક્રિય થયું હતું. ટીમે દરિયામાં ઝડપી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરીને પાણીમાં ફસાયેલા તમામ 14 નાવિકોને સહી-સલામત બહાર કાઢી લીધા હતા. બચાવવામાં આવેલા ક્રૂ મેમ્બર્સમાં 13 ભારતીય નાગરિકો સામેલ છે. રેસ્ક્યૂ બાદ સમગ્ર ક્રૂને સુરક્ષિત રીતે મોખા બંદર (Mokha Port) ખાતે પહોંચાડવામાં આવ્યો હતો.
ભારત સરકારની કડક પ્રતિક્રિયા અને નિર્દેશો
કેન્દ્રીય શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટના અંગે માહિતી આપતા તેને વગર ઉશ્કેરણીએ કરવામાં આવેલો હુમલો ગણાવીને સખત નિંદા કરી હતી. તેમણે નાવિકોના સુરક્ષિત હોવા પર રાહત વ્યક્ત કરી હતી અને યમનના અધિકારીઓનો આભાર માન્યો હતો.
આ ઘટના બાદ મહાનિદેશક દરિયાઈ વહીવટ (DGMA)ને તાત્કાલિક જરૂરી પગલાં લેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. DGMAને તમામ સંબંધિત એજન્સીઓ સાથે તાલમેલ સાધીને આ વિસ્તારમાં હાજર તમામ ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને બચાવવામાં આવેલા ક્રૂ મેમ્બર્સને તમામ જરૂરી સહાય પૂરી પાડવાનો આદેશ અપાયો છે.
આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા અંગે ભારતની ચિંતા
ભારતીય વિદેશ મંત્રાલયે પણ વેપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે આશરે 4 દિવસ પહેલાં જ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે વાતચીત કરીને મિડલ ઈસ્ટમાં વધતા તણાવ પર ભારતની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ પરિસ્થિતિમાં કોમર્શિયલ શિપિંગ (વેપારી જહાજો) અને નાવિકોને નિશાન બનાવવા જોઈએ નહીં.




