બેંગકોક: થાઈલેન્ડ ખાતે ભારતીય સમુદાય દ્વારા “ગ્રાન્ડ દિવાળી સેલિબ્રેશન એન્ડ વેલકમ રિસેપ્શન 2026″નું આયોજન કરવામાં આવ્યું હતું. ફેરમોન્ટ બેંગકોક સુખુમવિટ ખાતે યોજાયેલા આ પ્રોગ્રામમાં થાઈલેન્ડના વરિષ્ઠ અધિકારીઓ, રાજદ્વારીઓ, આધ્યાત્મિક નેતાઓ અને વિવિધ દેશના પ્રતિનિધિઓ એકઠા થયા હતા. આ વર્ષે આ ઉજવણી “કલેક્ટિવ સ્ટ્રેન્થ • શેર્ડ વિઝન” (સાહસિક એકતા અને સમાન દ્રષ્ટિકોણ)ની થીમ હેઠળ રાખવામાં આવી હતી, જે ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો અને વૈશ્વિક મિત્રતાનું પ્રતીક બની રહી.
આ સમારંભમાં થાઈલેન્ડના ધાર્મિક બાબતોના ડિરેક્ટર જનરલ મિ. જેતસદા ચીવાચાવનકુલ, સાંસ્કૃતિક મંત્રાલયના આસિસ્ટન્ટ પરમેનન્ટ સેક્રેટરી ઉરુસયા ઇન્ટ્રાસુકશ્રી, થાઈલેન્ડમાં ભારતના રાજદૂત એચ.ઈ. પુનીત અગ્રવાલ અને માલદીવ્સના રાજદૂત એચ.ઈ. મિ. ફુવાદ થોફીક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, પ્રયાગરાજ/લખનઉ સ્થિત તીર્થરાજ આધ્યાત્મપીઠ ટ્રસ્ટના અધ્યક્ષ સ્વામી અભિરામ આચાર્ય જી મહારાજ તેમજ ટ્રેન્ડ માર્બલ એન્ડ ડિઝાઈન કો.ના પ્રેસિડેન્ટ અને સેન્ટ્રલ ગ્રુપના શેરહોલ્ડર જુલિંગ પાત્રા ચિરાથિવાત જેવા પ્રભાવશાળી અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. સ્વીડન, રશિયા, વિયેતનામ, મલેશિયા, ફિલિપાઇન્સ, બ્રુનેઈ, શ્રીલંકા, લાઓ પીડીઆર અને કેન્યા જેવા અનેક દેશના રાજદ્વારીઓએ હાજરી આપીને કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપ્યું હતું.
સાંજની શરૂઆત પરંપરાગત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારત અને થાઈલેન્ડની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓને રજૂ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જાણીતા કલાકાર પાયલ વખારિયાનું લાઇવ મ્યુઝિકલ પર્ફોર્મન્સ રહ્યું હતું, જેણે કાર્યક્રમમાં ઉત્સાહ અને રોનક ઉમેરી હતી. આ કાર્યક્રમમાં થાઈલેન્ડમાં ભારતીય સમુદાયને સતત સહયોગ આપતી વિવિધ સંસ્થાઓ, બિઝનેસ લીડર્સ અને સ્પોન્સર્સનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું.
વર્ષ 2027માં ભારત અને થાઈલેન્ડ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 80 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં પણ આ દિવ્ય ઉજવણી અત્યંત મહત્વપૂર્ણ રહી. પ્રવાસન, વેપાર, શિક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રે બંને દેશો વધુ નજીક આવી રહ્યા છે, અને થાઈલેન્ડમાં વસતો ભારતીય સમુદાય બંને દેશો વચ્ચે સંસ્કૃતિ અને વ્યાપાર માટે એક મજબૂત સેતુ (બ્રિજ) તરીકે કામ કરી રહ્યો છે.
અંધકાર પર પ્રકાશ, અજ્ઞાન પર જ્ઞાન અને નિરાશા પર આશાના વિજયનું પ્રતીક દિવાળી પર્વ બેંગકોકના આંગણે વિશ્વભરના લોકોને એકતા અને સદ્ભાવનાના તાંતણે બાંધવામાં સફળ રહ્યું હતું.






