પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધ તણાવ વચ્ચે ભારત માટે રાહતભરી એક મહત્વપૂર્ણ ખબર સામે આવી છે. સંયુક્ત આરબ અમીરાતમાંથી ભારતીય ધ્વજ ધરાવતું એક મોટું તેલ ટૅન્કર સુરક્ષિત રીતે ભારત તરફ રવાના થયું છે. અહેવાલો અનુસાર Jag Ladki oil tanker નામનું જહાજ લગભગ 80,800 ટન મુર્બન કાચું તેલ લઈને Fujairahમાંથી ભારત તરફ નીકળી ગયું છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે સમગ્ર વિસ્તારમાં યુદ્ધના કારણે ઊર્જા સપ્લાય ચેઇન પર દબાણ વધ્યું છે.

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ જહાજે ભારતીય સમય મુજબ સવારે લગભગ 10:30 વાગ્યે ફુજૈરાહમાંથી પ્રસ્થાન કર્યું હતું. મહત્વપૂર્ણ બાબત એ છે કે જહાજ પર હાજર તમામ ભારતીય નાવિકો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે આ ચોથું એવું ભારતીય ધ્વજવાળું જહાજ છે જે યુદ્ધ પ્રભાવિત વિસ્તારથી સલામત રીતે બહાર આવ્યું છે.
આ જહાજે કાચું તેલ લોડ કરતી વખતે પણ જોખમી પરિસ્થિતિનો સામનો કર્યો હતો. માહિતી મુજબ 14 માર્ચ 2026ના રોજ જ્યારે Jag Ladki oil tanker ફુજૈરાહના સિંગલ પોઇન્ટ મૂરિંગ પર કાચું તેલ ભરાઈ રહ્યું હતું, ત્યારે તેલ ટર્મિનલ પર હુમલો થયો હતો. તેમ છતાં જહાજ અને તેની ટીમે સલામત રીતે લોડિંગ પૂર્ણ કરીને ભારત તરફ પ્રસ્થાન કર્યું હતું.
આ ઘટનાને ભારતીય ઊર્જા સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણ કે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ Strait of Hormuzમાં વધતા તણાવને કારણે જહાજોની અવરજવર પર અસર પડી છે. આ માર્ગ વિશ્વના ઊર્જા પુરવઠા માટે સૌથી મહત્વપૂર્ણ ગણાય છે અને ભારત માટે પણ કાચા તેલનો મોટો ભાગ આ માર્ગથી જ આવે છે.

