બીજા વિશ્વયુદ્ધ પછી UKની એરફોર્સમાં પ્રથમ સિખ ફાઇટર પાઇલટ બન્યા અર્શદીપ સિંહ ડાંગ

લંડન: ભારતીય મૂળના ૨૮ વર્ષીય ફાઇટ લેફ્ટનન્ટ અર્શદીપ સિંહ ડાંગએ બ્રિટનની રોયલ એરફોર્સ (RAF)માં ફાઇટર પાઇલટ તરીકે ગ્રેજ્યુએટ થઈને એક નવો ઇતિહાસ રચ્યો છે. રોયલ એરફોર્સના જણાવ્યા અનુસાર, બીજા વિશ્વયુદ્ધ (World War II) પછી RAFના ફાઇટર સ્ક્વોડ્રનમાંથી ‘વિંગ્સ’ મેળવનારા તેઓ પ્રથમ સિખ પાઇલટ બન્યા છે. ઉત્તર વેલ્સના RAF વેલી ખાતે ૧૪ ઓગસ્ટના રોજ યોજાયેલા ફાસ્ટ જેટ પાઇલટ ગ્રેજ્યુએશન સમારોહમાં તેમને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી.

દાદાનું સપનું પૂરું કર્યું

૧૯૯૮માં ચંડીગઢમાં જન્મેલા અર્શદીપ માત્ર છ વર્ષની ઉંમરે પરિવાર સાથે યુકે શિફ્ટ થયા હતા. તેમનો પરિવાર લુધિયાણા અને અમૃતસર સાથે સંબંધ ધરાવે છે અને હાલમાં ઇંગ્લેન્ડના સાઉથોલમાં રહે છે. અર્શદીપે જણાવ્યું કે, “મારા દાદા સરદાર સંતોખ સિંહ ડાંગનું સપનું હતું કે મારા પિતા પાઇલટ બને. પરંતુ જ્યારે મારા પિતા છ વર્ષના હતા ત્યારે જ દાદાનું અવસાન થતાં આ સપનું અધૂરું રહ્યું હતું. મારા માતા-પિતાએ મને સતત પ્રોત્સાહિત કર્યો અને આજે હું આ સપનું પૂરું કરી શક્યો છું.”

બ્રિસ્ટોલ યુનિવર્સિટીથી ફાઇટર સ્ક્વોડ્રન સુધીની સફર

યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલમાંથી ગણિત અને ફિલોસોફીનો અભ્યાસ કર્યા બાદ અર્શદીપે ૨૦૨૨માં ઓફિસર ટ્રેનિંગ પૂર્ણ કરી હતી. સાયપ્રસમાં સેવા આપ્યા બાદ ૨૦૨૪માં તેમની પસંદગી ફાસ્ટ જેટ સ્ટ્રીમ માટે થઈ હતી. ટેક્સાસમાં સોલો ફ્લાઇંગ અને કઠિન તાલીમ બાદ જુલાઈ ૨૦૨૬માં તેમણે વિંગ્સ ટેસ્ટ પાસ કરી હતી. હવે તેઓ ફ્રન્ટલાઇન ફાઇટર વિમાન ઉડાડતા પહેલા વધુ એક વર્ષની સઘન તાલીમ મેળવશે.

તેમણે ઉમેર્યું કે, “આંતરરાષ્ટ્રીય મંચ પર મારા સમુદાયનું પ્રતિનિધિત્વ કરવાનો મને ગર્વ છે. બીજા વિશ્વયુદ્ધ પછી હું આ સિદ્ધિ મેળવનાર પ્રથમ સિખ છું, પરંતુ હું છેલ્લો બનવા માંગતો નથી.” પોતાના ઘરની પંજાબી સંસ્કૃતિ, ગુરુદ્વારાની સેવા અને ‘ચરદી કલા’ (હંમેશાં ઉચ્ચ મનોબળ રાખવાની ભાવના) એ તેમને આ સફળતા સુધી પહોંચવામાં મદદ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.