કેનેડામાં વોલમાર્ટ બહાર ગોળીબારમાં ભારતીય મૂળના યુગલનું મોત

સરે (બ્રિટિશ કોલંબિયા)/ઓટાવા: કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં એક વોલમાર્ટ સ્ટોરના પાર્કિંગ લોટમાં થયેલા ગોળીબારમાં ભારતીય મૂળના 23 વર્ષીય યુવક અને તેની 24 વર્ષીય પ્રેમિકાનું મોત નીપજ્યું છે. કેનેડિયન તપાસ એજન્સીઓના મતે આ ઘટના સંગઠિત અપરાધ સાથે જોડાયેલો એક લક્ષિત હુમલો હોવાની આશંકા છે.

તપાસ સંભાળી રહેલી ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમ (IHIT)એ મૃતકોની ઓળખ ગગનપ્રીત (ગેરી) રેહલ (23) અને સુખજીત કૌર (24) તરીકે કરી છે. બંને પીડિતો નજીકના ડેલ્ટા વિસ્તારના રહેવાસી હતા. આ ઘટના 15 નવેમ્બરની રાત્રે 88 એવન્યુ અને 124 સ્ટ્રીટ નજીક આવેલા વોલમાર્ટના પાર્કિંગમાં બની હતી. સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ 10:38 વાગ્યે ગોળીબારની માહિતી મળતા પોલીસ અને પેરામેડિક્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ બંનેને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

IHITના સાર્જન્ટ ફ્રેડા ફોંગના જણાવ્યા અનુસાર, ગોળીબારના થોડા જ સમયમાં એટલે કે રાત્રે 10:51 વાગ્યે પ્રિન્સેસ ડ્રાઇવના 9700 બ્લોક નજીક એક કારમાં આગ લાગવાની ઘટના બની હતી, જે આ ગોળીબાર સાથે જોડાયેલી હોવાનું મનાય છે. પોલીસને શંકા છે કે બળી ગયેલું વાહન હુમલાખોરો દ્વારા ઉપયોગમાં લેવાયું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, ગગનપ્રીત રેહલ હથિયારો સંબંધિત ગુનાઓમાં અગાઉ પોલીસના સંપર્કમાં આવી ચૂક્યો હતો, જ્યારે સુખજીત કૌરના કેનેડામાં મર્યાદિત સંપર્કો હોવાનું જાણવા મળ્યું છે. IHITએ આ હુમલાને લક્ષિત અને સંગઠિત અપરાધ સાથે સંકળાયેલો ગણાવ્યો છે તેમજ આ ઘટનાથી બંને પરિવારોમાં ભારે શોક છવાયો હોવાનું જણાવ્યું છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.