UAEના ટેન્કરોએ ચેતવણી નજરઅંદાજ કરી : ભારતીય નાવિકના મોત પર ઈરાનનો દાવો

ઈરાન: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની)માં ઈરાનની ક્રૂઝ મિસાઈલો દ્વારા સંયુક્ત આરબ અમીરાત (UAE)ના બે ઓઈલ ટેન્કરો પર કરવામાં આવેલા હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત નીપજ્યું છે. આ ઘટના અંગે તેહરાને (ઈરાન) દાવો કર્યો છે કે આ જહાજોએ વારંવાર આપવામાં આવેલી ચેતવણીઓને નજરઅંદાજ કરી હતી. પોતાની નેવિગેશન સિસ્ટમ બંધ કરી દીધી હતી અને ઈરાની દળોની સૂચનાઓ છતાં “માઈન્સ વાળા (વિસ્ફોટકો ધરાવતા) દરિયાઈ માર્ગ” પરથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો.ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) તરફથી આ પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે યુએઈના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી કે ઓમાનના દરિયાઈ વિસ્તારમાં બે ટેન્કરો – ‘મોમ્બાસા’ (Mombasa) અને ‘અલ બાહિયા’ (Al Bahiyah) પર થયેલા હુમલામાં એકનું મોત અને અન્ય આઠ લોકો ઘાયલ થયા છે.

યુએઈના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જે ભારતીય નાવિકનું મોત થયું છે તે ‘મોમ્બાસા’ જહાજ પર સવાર હતો. ઘાયલ થયેલા આઠ લોકોમાંથી છ ભારતીય નાગરિકો અને બે યુક્રેનિયન છે, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હુમલા બાદ બંને જહાજોમાં લાગેલી આગ પર પાછળથી કાબૂ મેળવી લેવાયો હતો.

જહાજોના નામ લીધા વિના, IRGCએ જણાવ્યું હતું કે દરિયાઈ ચેતવણીઓનું પાલન ન કરવા બદલ બે “નિયમોનું ઉલ્લંઘન કરનારા” સુપરટેન્કરો પર સફળતાપૂર્વક હુમલો કરીને તેમને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. ઈરાનનો દાવો છે કે આ જહાજોએ જાણી જોઈને પોતાની નેવિગેશન સિસ્ટમ બંધ કરી દીધી હતી અને ખતરનાક માર્ગ પરથી પસાર થતી વખતે વારંવાર મળેલી સૂચનાઓનો અનાદર કર્યો હતો.

IRGCએ અમેરિકા પર પણ આક્ષેપ કર્યો છે કે તે કોમર્શિયલ જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાં “ગેરકાયદેસર માર્ગ”નો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરી રહ્યું છે. ઈરાને ચેતવણી આપી છે કે “આક્રમણખોર દુશ્મન” (અમેરિકા) સાથેનો સહયોગ માત્ર વધુ નુકસાન, આ વ્યૂહાત્મક જળમાર્ગને ફરીથી ખોલવામાં વિલંબ અને વૈશ્વિક ઊર્જા કટોકટીને વધુ ગંભીર બનાવશે.

બીજી તરફ, યુએઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક નિવેદન જાહેર કરીને આ હુમલાને “ઘોર હુમલો” ગણાવીને સખત શબ્દોમાં નિંદા કરી છે અને કહ્યું છે કે તે “આ આક્રમકતાનો જવાબ આપવાનો પોતાનો સંપૂર્ણ અધિકાર અનામત રાખે છે.”

ફેબ્રુઆરીમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા સંઘર્ષ બાદ ગલ્ફ (અખાત) વિસ્તારમાં તણાવ વધારનારી આ એક મોટી ઘટના છે. સોમવારે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની શિપિંગ પર ફરીથી નાકાબંધી લાગુ કરી હતી અને જણાવ્યું હતું કે વોશિંગ્ટન હોર્મુઝની સુરક્ષાની જવાબદારી લેશે, જેના બદલામાં ત્યાંથી પસાર થતા તમામ કાર્ગો પર ૨૦ ટકા વળતર (ખર્ચ)ની માંગણી કરવામાં આવશે.

તેમણે એમ પણ જાહેરાત કરી હતી કે અમેરિકા “હોર્મુઝ સામુદ્રધુનીનું રક્ષક” બનશે અને આ શિપિંગ લેનનો ઉપયોગ કરનારા દેશોએ તેની સુરક્ષાનો ખર્ચ ઉઠાવવો પડશે. આ જાહેરાતના ગણતરીના કલાકોમાં જ, અમેરિકી દળોએ સતત ત્રીજી રાત્રે હુમલા કરીને ઈરાનની દરિયાઈ દેખરેખ પ્રણાલી, ડ્રોન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મિસાઈલ ક્ષમતાઓને નિશાન બનાવી હતી.