અમદાવાદ: અમેરિકા, બ્રિટન અને કેનેડા જેવા પરંપરાગત દેશોમાં વધતી જતી ટ્યુશન ફી, મોંઘા જીવનનિર્વાહ અને કડક બનતા વિઝા નિયમોને કારણે હવે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે નવા વિકલ્પો પસંદ કરી રહ્યા છે. આ બદલાતા પ્રવાહમાં જર્મની ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી લોકપ્રિય શિક્ષણ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.
શિક્ષણ માટે લોન આપતી અગ્રણી કંપની ઓક્સિલો ફિનસર્વ (Auxilo Finserve)ના ચીફ બિઝનેસ ઓફિસર (ગ્લોબલએડ) શ્વેતા ગુરુના જણાવ્યા અનુસાર, જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે.
માત્ર 5 વર્ષમાં સંખ્યા બમણી થઈ
વર્ષ ૨૦૨૦માં જર્મનીમાં ૨૮,૯૦5 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. જે સંખ્યા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને ૫૯,૪૧૯ પર પહોંચી ગઈ છે. આમ, માત્ર પાંચ જ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. આ જંગી ઉછાળા સાથે ભારતે ચીનને પણ પાછળ છોડી દીધું છે અને જર્મનીમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ધરાવતો દેશ બનીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ યાદીમાં તુર્કી ત્રીજા સ્થાને છે.
મોટો ફાયદો: ફ્રી એજ્યુકેશન અને સસ્તો અભ્યાસ
વિદ્યાર્થીઓ માટે જર્મની આકર્ષણનું કેન્દ્ર બનવા પાછળનું મુખ્ય કારણ ઓછો ખર્ચ છે. જર્મનીની સરકારી (જાહેર) યુનિવર્સિટીઓમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ટ્યુશન ફી લેવામાં આવતી નથી. વિદ્યાર્થીઓએ માત્ર સેમેસ્ટર ફી તરીકે આશરે €૧૫૦ થી €૩૫૦ (અંદાજે ₹૧૬,૦૦૦ થી ₹૩૮,૦૦૦) ચૂકવવા પડે છે, જેમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટની સુવિધા પણ મફત મળે છે.
અમેરિકા કે બ્રિટનમાં માસ્ટર્સ કરવા માટે ₹૪૫ લાખથી ₹૭૦ લાખનો ખર્ચ થાય છે, જ્યારે જર્મનીમાં રહેવાના ખર્ચ સાથે બે વર્ષના માસ્ટર્સનો કુલ ખર્ચ માત્ર ₹૨૨ લાખથી ₹૨૮ લાખ જેટલો જ થાય છે.
રોજગારીની વ્યાપક તકો અને ૧૮ મહિનાના વર્ક અવસર
જર્મનીની ઇન્સ્ટિટ્યૂટ ફોર એમ્પ્લોયમેન્ટ રિસર્ચના અંદાજ મુજબ, વર્ષ ૨૦૩૫ સુધીમાં જર્મનીમાં અંદાજે ૭૦ લાખ કુશળ વ્યાવસાયિકોની જરૂરિયાત ઊભી થશે. આ માંગને કારણે વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્ય છે.
-
પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા: અભ્યાસ પૂરો થયા પછી વિદ્યાર્થીઓને નોકરી શોધવા માટે ૧૮ મહિનાનો સમય મળે છે.
-
આકર્ષક સેલેરી: એન્જિનિયરિંગ અને આઈટી ક્ષેત્રના ફ્રેશર્સને વાર્ષિક €૪૫,૦૦૦ થી €૬૫,૦૦૦ (આશરે ₹૪૯ લાખથી ₹૭૦ લાખ) સુધીનું પ્રારંભિક પેકેજ મળે છે.
-
EU બ્લુ કાર્ડ: €૪૫,૩૦૦થી વધુ વાર્ષિક આવક ધરાવતા વ્યાવસાયિકો ‘EU બ્લુ કાર્ડ’ માટે પાત્ર બને છે. જેનાથી કાયમી નિવાસ (PR) મેળવવાનો માર્ગ સરળ બને છે.
ભાષાનો પડકાર દૂર થયો
અગાઉ જર્મનીમાં જર્મન ભાષા શીખવી ફરજિયાત માનવામાં આવતી હતી. પરંતુ હવે ત્યાં ૨,૪૦૦થી વધુ ડિગ્રી કોર્સ (ખાસ કરીને માસ્ટર્સ પ્રોગ્રામ) સંપૂર્ણપણે અંગ્રેજી માધ્યમમાં ઉપલબ્ધ છે. જેથી ભારતીય વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સરળ બન્યો છે.
બ્લોક્ડ એકાઉન્ટ (Blocked Account)નો નિયમ
જર્મની જતા પહેલા વિદ્યાર્થીઓએ એક વર્ષના લિવિંગ કોસ્ટ (જીવનનિર્વાહ ખર્ચ) પેટે પોતાના બ્લોક્ડ એકાઉન્ટમાં €૧૧,૯૦૪ (અંદાજે ₹૧૨.૯ લાખ) જમા કરાવવા પડે છે. આ રકમ વિદ્યાર્થીને ત્યાં ગયા પછી દર મહિને ઘરખર્ચ માટે હપ્તાવાર પાછી મળે છે.
નિષ્ણાતનો મત: “ઓછો અભ્યાસ ખર્ચ, વિશ્વસ્તરીય શિક્ષણ, અંગ્રેજી માધ્યમ અને અભ્યાસ પછી યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ૧૮ મહિના સુધી નોકરી શોધવાની તકને કારણે જર્મની હવે ભારતીય મધ્યમવર્ગીય પરિવારો માટે એક ‘સ્માર્ટ વૈશ્વિક ચોઈસ’ બની ગયું છે.” – શ્વેતા ગુરુ, ઓક્સિલો ફિનસર્વ
જર્મની વિશ્વના સૌથી સુરક્ષિત અને સ્થિર દેશોમાંનો એક છે. ઓછા ગુનાખોરી દર, ફરજિયાત આરોગ્ય વીમા, મજબૂત જાહેર સેવાઓ અને ઉચ્ચ જીવનધોરણને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે તે વિશ્વસનીય અને અનુકૂળ અભ્યાસસ્થળ તરીકે ઉભરી આવ્યું છે.





