ભારતીય ચીજવસ્તુઓ પર 25 ટકા જકાત લાદવાના અમેરિકાના પ્રસ્તાવથી 48 અબજ ડોલરની નિકાસ અને આશરે 5 લાખ રોજગારી પર જોખમ તોળાઈ રહ્યું છે, જેને પગલે વેપારી સંગઠને વડાપ્રધાન મોદીને અમેરિકા પર 25 ટકા વળતી જકાત લાદવાની અપીલ કરી છે. ભારતીય ચીજવસ્તુઓ પર 25 ટકા સુધી આયાત જકાત લાદવાના અમેરિકાના પ્રસ્તાવ બાદ દેશમાં પણ વળતા પગલાં ભરવાની માંગ જોર પકડી રહી છે. દેશના વેપારીઓના સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડિંગ ઇન્ડસ્ટ્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકી ચીજવસ્તુઓ પર પણ 25 ટકા વળતી આયાત જકાત લાગુ કરવાની અપીલ કરી છે.

નિકાસ પર અસર પડવાની આશંકા
વેપારી સંગઠને ચેતવણી આપી છે કે અમેરિકાના આ નિર્ણયથી 48 અબજ અમેરિકી ડોલર મૂલ્યની નિકાસ પર અસર પડી શકે છે અને આશરે 5 લાખ રોજગારી જોખમમાં મુકાઈ શકે છે. સંગઠનના ચેરમેન બ્રિજેશ ગોયલે ગુરુવારે એક વિડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે વડાપ્રધાન મોદીને આગ્રહ કરીએ છીએ કે તેઓ અમેરિકા પર 25 ટકાનો વળતો કર લાદે.” તેમણે ઉમેર્યું કે વેપારીઓ એ બાબતે ચિંતિત છે કે તેની અસર ઔષધિ ઉત્પાદનો, ઇલેક્ટ્રોનિક્સ, દરિયાઈ ખાદ્ય ચીજો, રત્ન અને આભૂષણ, ચામડું, ધાતુ તેમજ વાહનના ભાગો જેવા ક્ષેત્રો પર પડી શકે છે.
તેમણે કહ્યું કે પ્રસ્તાવિત જકાતને કારણે અમેરિકી ખરીદદારો માટે ભારતીય ચીજવસ્તુઓ મોંઘી થઈ શકે છે, જેના પરિણામે તેઓ પોતાના આદેશ અન્ય હરીફ દેશોને આપી શકે છે. બ્રિજેશ ગોયલે એ પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે જે નિકાસકારોએ અગાઉથી જ અમેરિકા માટે માલ મોકલી આપ્યો છે અથવા જેમને આદેશ મળી ચૂક્યા છે, તે જથ્થાનું શું થશે? જો નવી જકાત લાગુ થાય તો જૂના આદેશ અને રસ્તામાં રહેલા માલ પર તેની શી અસર પડશે, તે અંગે વેપારીઓમાં ચિંતા પ્રવર્તી રહી છે.

અમેરિકાનો પ્રસ્તાવ
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાએ બુધવારે ભારત સાથે વેપાર કરાર ન થાય તેવી સ્થિતિમાં ભારતીય ચીજવસ્તુઓ પર 25 ટકા જકાત લાદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમેરિકાએ ભારતમાં જરૂરિયાત કરતાં વધુ ઔદ્યોગિક ક્ષમતા, બજાર સુધી પહોંચવામાં સતત રહેતા અવરોધો અને કામદારોને અપૂરતા રક્ષણને તેનું કારણ ગણાવતા જણાવ્યું હતું કે તેનાથી અમેરિકી કંપનીઓના હિતોને નુકસાન પહોંચે છે. આ ઉપરાંત, અમેરિકી વેપાર પ્રતિનિધિ કચેરીએ જણાવ્યું હતું કે ભારત સાથે વેપાર કરાર થાય તેવી સ્થિતિમાં ભારતીય ઉત્પાદનો પર જકાતનો દર 17 ટકા રહેશે.
આ પ્રસ્તાવ અમેરિકી વેપાર પ્રતિનિધિ કચેરી દ્વારા માર્ચમાં 16 દેશો અને આર્થિક ક્ષેત્રો સામે કલમ 301 હેઠળ શરૂ કરાયેલી તપાસનો એક ભાગ છે. અમેરિકાએ અન્ય લક્ષિત અર્થતંત્રો પર 20થી 35 ટકા સુધી જકાત લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, વેપાર કરાર ધરાવતા દેશો માટે ઓછા દર પ્રસ્તાવિત છે. યુરોપિયન સંઘ, જાપાન, દક્ષિણ કોરિયા, તાઈવાન અને સ્વિત્ઝર્લેન્ડ માટે આયાત જકાત સહિત 15 ટકાનો દર પ્રસ્તાવિત છે. બીજી તરફ, વિયેતનામ સાથે વેપાર કરાર આખરી સ્વરૂપ લે ત્યારે ત્યાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 20 ટકા જકાત લાદવાનો પ્રસ્તાવ છે.




