ચંડીગઢઃ ભારતે ચંડીગઢ ટેસ્ટમાં અફઘાનિસ્તાનને ઇનિંગ્સ અને 300 રનથી હરાવીને પોતાની ટેસ્ટ ઇતિહાસની સૌથી મોટી જીત નોંધાવી છે. અફઘાનિસ્તાન ત્રીજી વખત ઇનિંગ્સના મોટા અંતરથી પરાજિત થયું છે. ટીમનો છેલ્લો બેટ્સમેન બેટિંગ માટે મેદાનમાં ન ઊતરતાં કુલદીપ યાદવ હેટ્રિકથી વંચિત રહી ગયો હતો. અફઘાનિસ્તાનની બીજી ઇનિંગ્સમાં કુલદીપે છેલ્લી બે વિકેટ સતત બે બોલમાં ઝડપી હતી. ભારતે પ્રથમ ઇનિંગ્સમાં આઠ વિકેટે 564 રન બનાવીને ઇનિંગ્સ જાહેર કરી હતી. તેના જવાબમાં અફઘાનિસ્તાનની પ્રથમ ઇનિંગ્સ 152 રનમાં સમેટાઈ ગઈ હતી. ત્યાર બાદ બીજી ઇનિંગ્સમાં પણ અફઘાનિસ્તાન નવ વિકેટે માત્ર 112 રન જ બનાવી શક્યું. આ રીતે ભારતે 2026-27 સીઝનની જીત સાથે શરૂઆત કરી. જોકે આ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)નો ભાગ નહોતી.
કુલદીપ હેટ્રિકથી વંચિત રહ્યો
ભારત માટે પ્રથમ ઇનિંગ્સમાં ડેબ્યુ કરનાર માનવ સુતારે 6 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગ્સમાં તેને એક વિકેટ મળી હતી. વોશિંગ્ટન સુંદરે 4 અને કુલદીપ યાદવે ત્રણ વિકેટ લીધી. કુલદીપે નંગેયાલિયા ખારોટે અને મોહમ્મદ સલીમ સફીને સતત બે બોલમાં આઉટ કર્યા હતા, પરંતુ ત્યાર બાદ શરાફુદ્દીન અશરફ બેટિંગ માટે મેદાનમાં ઊતર્યો નહોતો. તેને કારણે કુલદીપની હેટ્રિક પૂર્ણ થઈ શકી નહીં. જો તે આગામી ટેસ્ટમાં પોતાના પ્રથમ જ બોલ પર વિકેટ મેળવી લેશે તો તેની હેટ્રિક પૂર્ણ ગણાશે.
All smiles and silverware! 📸
Skipper Shubman Gill receives the @IDFCFIRSTBank trophy as #TeamIndia celebrate after a massive win in New Chandigarh 🏆#INDvAFG | @ShubmanGill pic.twitter.com/rcHFZin7Sc
— BCCI (@BCCI) June 8, 2026
ટેસ્ટ ડેબ્યુમાં પાંચ વિકેટ લેનારા 10મો બોલર બન્યા માનવ સુતાર
માનવ સુતારે પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં માત્ર 33 રન આપી છ વિકેટ ઝડપી ઇતિહાસ રચ્યો હતો. તે ટેસ્ટ ડેબ્યુમાં પાંચ અથવા વધુ વિકેટ લેનારો ભારતનો 10મો બોલર બન્યો હતો. એ સાથે જ પ્રથમ ઇનિંગ્સમાં ભારત માટે ડેબ્યુ ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનની યાદીમાં તે નરેન્દ્ર હીરવાણી પછી બીજા ક્રમે પહોંચ્યો હતો.






