કોલકાતાથી ચેન્નઈ આવી રહેલી ઈન્ડિગોની એક ફ્લાઈટમાં મંગળવારે મોડી રાત્રે ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે વિમાનના ડાબા એન્જિને કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચેન્નઈ એરપોર્ટ પર તાત્કાલિક ‘ફુલ ઈમરજન્સી’ જાહેર કરવામાં આવી હતી અને વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-723 માં કુલ 224 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા.

લેન્ડિંગ પહેલાં જ એન્જિન ફેઈલ હોવાની જાણ થઈ
આ વિમાનને રાત્રે 11:30 વાગ્યે લેન્ડ કરવાનું હતું. પરંતુ લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન જ પાઈલટને ડાબા એન્જિનમાં ખામી સર્જાઈ હોવાનો અહેસાસ થયો હતો. પાઈલટે વિલંબ કર્યા વગર તુરંત જ આ અંગે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને જાણ કરી હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ના જણાવ્યા અનુસાર, ઘટનાની સૂચના મળતાની સાથે જ રાત્રે 11:29 વાગ્યે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સક્રિય કરી દેવામાં આવી હતી અને ફુલ ઈમરજન્સી લાગુ કરી દેવાઈ હતી.
પાઈલટની ત્વરિત તકેદારી અને કુશળતાના કારણે રાત્રે 11:37 વાગ્યે વિમાનને રનવે નંબર 25 પર સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ 224 લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. સુરક્ષિત લેન્ડિંગ સુનિશ્ચિત થયા બાદ રાત્રે 11:47 વાગ્યે ઈમરજન્સી પાછી ખેંચી લેવામાં આવી હતી. એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનાના કારણે એરપોર્ટના અન્ય કામકાજ કે અન્ય ફ્લાઈટ્સ પર કોઈ નકારાત્મક અસર પડી નહોતી.




