ઇન્ડોનેશિયાના જાવા સમુદ્રમાં 243 મુસાફરો ભરેલી સ્ટીમર ગુમ

ઇન્ડોનેશિયાના જાવા સમુદ્રમાં ખરાબ હવામાનના કારણે એક ભયાનક દરિયાઈ હોનારત સર્જાઈ છે. 243 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને લઈને જઈ રહેલી ‘વિર્ગો ટ્રાન્સપોર્ટ 8’ (Virgo Transport 8) નામની પેસેન્જર ફેરી (સ્ટીમર) દરિયામાં લાપતા થઈ ગઈ છે. આ કરૂણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે 97 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં સફળતા મળી છે. બાકીના મુસાફરોની શોધખોળ માટે યુદ્ધના ધોરણે સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

દરિયામાં 150 કિમી દૂરથી સંપર્ક તૂટ્યો

મળતી માહિતી મુજબ, આ ફેરી શનિવારે સવારે 10:33 વાગ્યે સુરાબાયાથી દક્ષિણ કાલિમંતનના બનજારમાસિન જવા માટે રવાના થઈ હતી અને તેને રવિવારે બપોરે 2 વાગ્યે પહોંચવાનું હતું. જોકે, રવિવારે રાત્રે 2 વાગ્યાના સુમારે બનજારમાસિનથી લગભગ 150 કિલોમીટર દૂર દરિયામાં પહોંચતા જ આ જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જહાજ ઓપરેટર કંપની PT Virgo એ સવારે 4:10 વાગ્યે ઈમરજન્સી મેસેજ મોકલી દરિયામાં ભારે વાવાઝોડા અને દરિયાઈ મોજાંના કારણે જહાજ મુશ્કેલીમાં હોવાની જાણ કરી હતી.

હેલિકોપ્ટર અને સેનાના જહાજો દ્વારા રેસ્ક્યૂ

ઘટના બાદ ઇન્ડોનેશિયાની નેશનલ રેસ્ક્યૂ એજન્સી, નેવી અને મરીન પોલીસે વ્યાપક બચાવ કામગીરી શરૂ કરી છે. ઘટનાસ્થળે અનેક જહાજો અને હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. ત્રિશક્તિ પોર્ટ ખાતે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. 17 હજારથી વધુ દ્વીપો ધરાવતા ઇન્ડોનેશિયામાં ફેરી એ વાહનવ્યવહારનું મુખ્ય સાધન છે, પરંતુ ખરાબ હવામાન અને સુરક્ષા ધોરણોના અભાવે અવારનવાર આવી ગંભીર અકસ્માતો સર્જાય છે.