જાકાર્તાઃ ઇન્ડોનેશિયાના વન મંત્રી રાજા જુલી એન્ટોનીએ આજે જાકાર્તામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં દેશમાં વન્યજીવોના આરોગ્ય અને તેમના કુદરતી નિવાસસ્થાનમાં સંરક્ષણના પ્રયાસોને વધુ મજબૂત બનાવવા માટેના મોટા વિસ્તરણની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમને અનંત અંબાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દ્વારા સ્થાપિત વિશ્વની મોટી વન્યજીવ સંરક્ષણ પહેલોમાંની એક વનતારા, ઇન્ડોનેશિયાની જાણીતી વન્યજીવ સંસ્થા પીટી ફૌના લેન્ડ ગ્રુપ (PT Fauna Land Group) સાથે મળીને સહયોગ આપી રહી છે.
મંત્રી એન્ટોનીએ જણાવ્યું હતું કે વન્યજીવોનું સંરક્ષણ અંતે આપણી જવાબદારી છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે જ્યાં પણ વન્યજીવોને આપણી જરૂર હોય ત્યાં તેમની સંભાળ માટે ઇન્ડોનેશિયા પાસે જરૂરી સુવિધાઓ, નિષ્ણાતી અને સંસાધનો ઉપલબ્ધ હોય. આ ભાગીદારી દ્વારા અમે આપણા વન્યજીવ આરોગ્ય અને સંરક્ષણના માળખાને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. વનતારા તેના અનુભવ, નિષ્ણાતી અને સંસાધનો સાથે અમને સહયોગ આપી રહી છે. આ સહયોગ હેઠળની તમામ સુવિધાઓ અને કાર્યક્રમો ઇન્ડોનેશિયા સરકાર તથા સંબંધિત સત્તાવાળાઓની માલિકી હેઠળ રહેશે અને તેમના દ્વારા જ સંચાલિત કરવામાં આવશે, જેથી આવનારી પેઢીઓ સુધી તે ઇન્ડોનેશિયાની સંરક્ષણ પ્રાથમિકતાઓ અને વન્યજીવોની સેવા કરી શકે.
વનરાના CEO વિવાન કરાણીએ જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયા સરકાર અને અમારા ભાગીદારો દ્વારા અમારામાં મૂકવામાં આવેલા વિશ્વાસ અને ઇન્ડોનેશિયાના વન્યજીવ સંરક્ષણમાં યોગદાન આપવાની તક બદલ અમે આભારી છીએ. ઇન્ડોનેશિયા વિશ્વની કેટલીક અદ્ભુત જૈવવિવિધતાનું ઘર છે અને આવનારી પેઢીઓ માટે આ કુદરતી વારસાના રક્ષણમાં યોગદાન આપવું વનતારા માટે ગૌરવની વાત છે. વનતારાએ વન્યજીવ આરોગ્ય, વેટરનરી કેર, પ્રાણી સંભાળ અને સંરક્ષણ ક્ષેત્રે ઊંડી નિષ્ણાતી વિકસાવી છે અને આ અનુભવ ઇન્ડોનેશિયા સાથે વહેંચવામાં અમને આનંદ છે.
ફૌના લેન્ડના CEO ડેની ગુનાલેને જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયા અદ્ભુત વન્યજીવો અને જૈવવિવિધતાથી સમૃદ્ધ છે અને આ કુદરતી વારસાનું રક્ષણ કરવું આપણી સૌની સહિયારી જવાબદારી છે. વન્યજીવ આરોગ્ય અને સંભાળને મજબૂત બનાવવા માટે ઇન્ડોનેશિયા સરકાર અને વંતારા સાથે મળીને કામ કરવાનો અમને આનંદ છે.

મુખ્ય પહેલોમાં શું સામેલ છે?
જાહેર કરવામાં આવેલી મુખ્ય પહેલોમાં ઇન્ડોનેશિયામાં હાથીઓની સંભાળ રાખનારા કર્મચારીઓ, પશુચિકિત્સકો અને વન્યજીવ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમો સામેલ છે.
આ ઉપરાંત, સમગ્ર ઇન્ડોનેશિયામાં કુદરતી નિવાસસ્થાનમાં રહેલા વન્યજીવોની જરૂરિયાતો પૂરી કરવા માટે 10 ‘હોસ્પિટલ્સ ઓન વ્હીલ્સ’ શરૂ કરવામાં આવશે.
વે કાંબાસ એલિફન્ટ હોસ્પિટલને આધુનિક સાધનો, ઉપકરણો અને ટેક્નોલોજીથી સજ્જ કરીને તેને ‘એલિફન્ટ ટ્રીટમેન્ટ એન્ડ કેર સેન્ટર’ તરીકે અપગ્રેડ કરવામાં આવશે.
અપગ્રેડ કરાયેલી આ હોસ્પિટલ માનવ સંભાળ હેઠળ રહેલા 62 સુમાત્રન હાથીઓ ઉપરાંત આસપાસના વિસ્તારમાં વસતા આશરે 100 જંગલી સુમાત્રન હાથીઓને પણ સહાય પૂરી પાડશે.
આ પહેલો ઇન્ડોનેશિયા સરકાર અને વનતારા વચ્ચે થયેલા અગાઉના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) હેઠળના વ્યાપક સહયોગનો ભાગ છે. આ MoU વન્યજીવ આરોગ્ય, પ્રાણી કલ્યાણ અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ માટેનું માળખું પૂરું પાડે છે. બંને પક્ષોએ ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય સંરક્ષણ પ્રાથમિકતાઓને અનુરૂપ સહયોગના કેટલાંક પ્રાથમિક ક્ષેત્રો નક્કી કર્યા છે.
વંતારા તેની વેટરનરી, પ્રાણી સંભાળ અને સંરક્ષણ ક્ષેત્રની નિષ્ણાતી, તકનિકી ક્ષમતાઓ, માળખાકીય સહાય અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમો દ્વારા ઇન્ડોનેશિયા સરકાર, સંબંધિત રાષ્ટ્રીય સંસ્થાઓ અને ફૌના લેન્ડ સાથે મળીને કામ કરશે.

