જાકાર્તાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા પ્રવાસના પ્રથમ તબક્કામાં આજે જાકાર્તા પહોંચ્યા છે, ત્યારે ઇન્ડોનેશિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો) (Prabowo Subianto)એ જાહેરાત કરી છે કે ઇન્ડોનેશિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ સન્માન બિતાંગ આદિપર્ણા (Bintang Adipurna of the Republic of Indonesia)થી સન્માનિત કર્યા છે. આ સન્માન ભારત અને ઇન્ડોનેશિયાની વચ્ચે મજબૂત વ્યૂહાત્મક સંબંધ અને દ્વિપક્ષી સંબંધોનું પ્રતીક માનવામાં આવે છે.
વડા પ્રધાન મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુબિયાન્તો વચ્ચે દ્વિપક્ષી બેઠક યોજાવાની છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક એમઓયુ (MoU) અને દ્વિપક્ષી કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. તેમાં ઇન્ડોનેશિયા માટે ખાસ ઇવીએમ (EVM) બનાવવામાં ભારતની મદદ અને ભારતની ‘અસ્ત્ર’ મિસાઇલ સંબંધિત સોદો મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભારત પાસેથી આ ઘાતક મિસાઇલ ખરીદશે ઇન્ડોનેશિયા: સૂત્રો
પીએમ મોદીની ઇન્ડોનેશિયા મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે કેટલીક મોટી ડીલ્સ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર ભારત ઇન્ડોનેશિયા માટે ખાસ EVM તૈયાર કરવામાં મદદ કરી શકે છે. જો આવું થાય તો તેને ભારતના ચૂંટણી વ્યવસ્થાપન મોડલને મળેલી મોટી આંતરરાષ્ટ્રીય માન્યતા તરીકે જોવામાં આવશે. સૂત્રોના હવાલાથી એવી માહિતી પણ મળી છે કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન હવામાંથી હવામાં માર કરતી મિસાઇલની સફળતા બાદ ઇન્ડોનેશિયાએ ભારતની ઘાતક ‘અસ્ત્ર’ મિસાઇલ ખરીદવાનો નિર્ણય કર્યો છે.
Addressing the joint press meet with President Prabowo Subianto of Indonesia.@prabowo https://t.co/LrvzAuUjzi
— Narendra Modi (@narendramodi) July 7, 2026
ભારત અને ઇન્ડોનેશિયા મળીને કરશે સબાંગ બંદરનો વિકાસ
સૂત્રોના જણાવ્યા મુજબ મહત્વપૂર્ણ ખનિજ પુરવઠા સાંકળને મજબૂત બનાવવા માટે ભારત ઇન્ડોનેશિયામાં સ્ટીલ, નિકલ અને રેર અર્થ પરમનેન્ટ મેગ્નેટના ઉત્પાદન ક્ષેત્રે રોકાણ કરશે. ઇન્ડોનેશિયા પોતાના બ્રહ્મોસ મિસાઇલ ભંડારને વિસ્તારી રહ્યું છે અને ભારત તેને વધારાની બેટરી સપ્લાય કરીને સહાય કરશે. ભારત અને ઇન્ડોનેશિયા મળીને સબાંગ બંદરનો વિકાસ કરશે. આ બંદર મલક્કા જળમાર્ગ (Strait of Malacca) નજીક આવેલું છે અને ભારતના ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટથી આશરે 100 માઇલના અંતરે છે. ઇન્ડોનેશિયાનું ભૌગોલિક સ્થાન ભારતના ઇન્ડો-પેસિફિક દૃષ્ટિકોણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક વેપાર માર્ગોમાંના એક એવા મલક્કા જળમાર્ગ પર સ્થિત હોવાને કારણે ઇન્ડોનેશિયા ભારતનો મહત્વનો સમુદ્રી ભાગીદાર બની ગયો છે.




