નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે કેન્દ્રની NDA સરકાર આતંકવાદને સમર્થન આપનારાઓ સુધી સિંધુ નદીનું પાણી પહોંચવા નહીં દે. હૈદરાબાદમાં ભાજપના તેલંગાણા એકમ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે વિશ્વને બતાવી દીધું છે કે જે લોકો શાંતિ અને સૌહાર્દની ભાષા સમજતા નથી, તેમને યોગ્ય જવાબ આપવો પણ ભારત સારી રીતે જાણે છે.
તેમણે કહ્યું હતું કે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ (Indus Waters Treaty)ને સ્થગિત કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે જેમના હૃદયમાંથી માનવતા અને સંવેદના સમાપ્ત થઈ ગઈ છે, તેમણે ભારત પાસેથી પાણીની અપેક્ષા રાખવી જોઈએ નહીં. તેમણે ઉમેર્યું હતું કે ભારત સિંધુ નદીનું પાણી આતંકવાદને આશ્રય આપનારાઓ અને માનવતાના દુશ્મનો સુધી પહોંચવા દેશે નહીં.સંરક્ષણપ્રધાનનું આ નિવેદન વડા પ્રધાન મોદી દ્વારા પહેલગામ હુમલા પછી આપવામાં આવેલા નિવેદનને પુનરાવર્તિત કરે છે. એ સમયે મોદીએ કહ્યું હતું કે લોહી અને પાણી એકસાથે નથી વહેતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદી પ્રણાલીના જળના ઉપયોગ અંગે 19 સપ્ટેમ્બર, 1960એ સિંધુ જળ સંધિ (IWT) પર હસ્તાક્ષર થયા હતા.
પહેલગામના જઘન્ય આતંકી હુમલા બાદ ભારતે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને નિર્ણય લીધો કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને આપતું સમર્થન વિશ્વસનીય અને કાયમી રીતે બંધ નહીં કરે, ત્યાં સુધી આ જળ કરાર સ્થગિત રહેશે. પહેલગામ હુમલા પછીથી ભારતનો સંદેશ સતત એક જ રહ્યો છે. રાજનાથ સિંહે જણાવ્યું કે કોઈ પણ સંધિ જમીની હકીકતોથી અલગ રહીને કાર્ય કરી શકતી નથી. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન નવી દિલ્હી જે સ્થિતિને “અસામાન્ય દુશ્મનાવટ” ગણાવે છે તેનો ઉકેલ લાવતું નથી, ત્યાં સુધી વિશ્વના સૌથી ચર્ચિત જળ-વહેંચણી કરારોમાંનો એક ગણાતો આ કરાર પણ અનેક અર્થોમાં સ્થગિત જ રહેશે.






