ઓડિશામાં રૂ. 1.08 લાખ કરોડનું મૂડીરોકાણ લાવશે ઓદ્યૌગિક ક્રાંતિઃ કરણ અદાણી

ભુવનેશ્વરઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ ગુરુવારે જણાવ્યું હતું કે અદાણી ગ્રુપ માટે ઓડિશા પૂર્વ ભારતના આર્થિક વિકાસનું હૃદય છે. કંપનીએ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) સાથે મળીને અહીં 11.5 અબજ ડોલર (આશરે રૂ. 1.08 લાખ કરોડ)ના પ્રસ્તાવિત મૂડીરોકાણ સાથે એક ઐતિહાસિક એલ્યુમિનિયમ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રસંગે સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણી ઓડિશામાં માત્ર કુદરતી સંસાધનો જ નહીં, પરંતુ લોકોની અડગ શક્તિ અને સંકલ્પ પણ જુએ છે.

તેમણે કહ્યું હતું  કે તેઓ ઓડિશામાં માત્ર ભૂગોળ નહીં, પરંતુ ભાગ્ય જુએ છે. માત્ર સંભાવનાઓ નહીં, પરંતુ દેશના આગામી ઔદ્યોગિક વિકાસનું નેતૃત્વ કરવાની શક્તિ જુએ છે અને આ પ્રોજેક્ટ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓડિશા એક એવી અનોખી ધરતી છે, જ્યાં પ્રાચીન વારસો અને આધુનિક વિકાસની આકાંક્ષાઓનો સુંદર સમન્વય જોવા મળે છે.

દેશના સૌથી સમૃદ્ધ ખનિજ સંસાધનો ધરાવતાં રાજ્યોમાં ઓડિશાનું વિશિષ્ટ સ્થાન છે. અહીં બોક્સાઇટનો સૌથી મોટો ભંડાર છે. એ સાથે જ ભારતના ૫૦ ટકાથી વધુ આયર્ન ઓરના ભંડારો, વીજ ઉત્પાદન અને ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી કોલસાનો વિશાળ જથ્થો ઉપલબ્ધ છે. ક્રોમાઇટ, મેંગેનીઝ, ચૂનાનો પથ્થર અને ડોલોમાઇટ જેવા ખનિજોની સમૃદ્ધિ ઓડિશાને ભારતના સૌથી વ્યૂહાત્મક ઔદ્યોગિક કેન્દ્રોમાં સ્થાન અપાવે છે અને ધાતુ, ઊર્જા, સિમેન્ટ તથા ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગો માટે મજબૂત આધાર પૂરો પાડે છે.

મુખ્ય મંત્રી  મોહન ચરણ માઝીના ગતિશીલ નેતૃત્વ અને રાજ્ય સરકારની સક્રિય ઔદ્યોગિક નીતિઓને પરિણામે ઓડિશા હવે માત્ર કાચા માલના પુરવઠાકર્તા તરીકે નહીં, પરંતુ મૂલ્યવર્ધિત ઉત્પાદન કેન્દ્ર તરીકે ઝડપથી આગળ વધી રહ્યું છે. ઉદ્યોગસાહસિકતા, સાહસ, સંસ્કૃતિ અને અસીમ સંભાવનાઓથી ભરપૂર આ પવિત્ર ભૂમિ પર આજે ઉપસ્થિત રહેવું મારા માટે ગૌરવની વાત છે. આજે આપણે માત્ર એક ઐતિહાસિક સમજૂતી કરારના સાક્ષી બનવા માટે જ નહીં, પરંતુ ઓડિશાના આર્થિક વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરવા માટે અહીં એકત્ર થયા છીએ. આ અધ્યાય ભારતના વિકાસને નવી દિશા અને નવી ગતિ આપશે.

આ પ્રોજેક્ટના બાંધકામ દરમિયાન અંદાજે ૩૫,૦૦૦ લોકોને રોજગારી મળશે, જ્યારે તેના સંચાલન દરમિયાન લગભગ ૧૮,૫૦૦ રોજગારનું સર્જન થશે. આ દરેક રોજગારી પાછળ એક પરિવારની આશા, એક યુવાનનું સપનું, કૌશલ્ય પ્રાપ્ત કરવાની તક, નાના વેપારી માટે નવી શક્યતાઓ અને સ્થાનિક ઉદ્યોગસાહસિકો માટે વિકાસના નવાં દ્વાર જોડાયેલાં છે.

વડા પ્રધાન મોદીજીના નેતૃત્વમાં ભારતે વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત ભારત બનાવવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. આવા પ્રોજેક્ટો એ લક્ષ્યને સાકાર કરવામાં નિર્ણાયક સાબિત થશે. ઓડિશાના નાગરિકોને હું વિશ્વાસ અપાવવા માંગું છું કે આ પ્રોજેક્ટ આપનો જ છે. તેનો હેતુ આપનાં સંતાનો માટે નવી તકો ઊભી કરવાનો, સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવાનો, ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવાનો અને ઓડિશાને વૈશ્વિક ઔદ્યોગિક નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાનો છે. ઓડિશા સરકારની દૂરંદેશી વિચારસરણી અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઔદ્યોગિક ઇકોસિસ્ટમ નિર્માણ માટેની તેમની પ્રતિબદ્ધતાને અમે હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ.