અમદાવાદ: કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (IGBC) દ્વારા ગુરૂવારે ‘ત્રીજી ગ્રીન ગુજરાત સમિટ ૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની સમિટની મુખ્ય થીમ “સ્પોર્ટ્સ-લેડ ગ્રોથ: ડ્રાઇવિંગ ગુજરાત્સ નેટ ઝીરો ફ્યુચર એક્રોસ રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી એન્ડ ઇન્ડસ્ટ્રી” રાખવામાં આવી. આ વર્ષે સમિટમાં રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને ઉદ્યોગોમાં નેટ ઝીરો (Net Zero) લક્ષ્યાંકો હાંસલ કરવા માટે સ્પોર્ટ્સ આધારિત વિકાસનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી.
ગ્રીન બિલ્ડિંગ ક્ષેત્રે ગુજરાત દેશમાં ચોથા ક્રમે
ગુજરાતે દેશભરમાં ગ્રીન બિલ્ડિંગ ક્ષેત્રે પોતાની મજબૂત પકડ બનાવી છે. હાલમાં ગુજરાત ૧,૫૭૪ રજિસ્ટર્ડ ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ સાથે દેશમાં ચોથા ક્રમે છે. રાજ્યમાં ૧.૦૭ બિલિયન ચોરસ ફૂટથી વધુ ગ્રીન બિલ્ટ-અપ એરિયા ધરાવતા ૭૫૦ પ્રમાણિત (Certified) પ્રોજેક્ટ્સ છે. જેમાં ૯૧૨ કોમર્શિયલ, ૫૧૬ રેસિડેન્શિયલ અને ૪ નેટ ઝીરો પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
IAS એમ. થેન્નારસન (અગ્ર સચિવ, શહેરી વિકાસ વિભાગ, ગુજરાત સરકાર)
“ગુજરાત અત્યારે તેના શહેરી વિકાસના એક નિર્ણાયક વળાંક પર ઊભું છે. જ્યારે આપણે ૨૦૩૬ ઓલિમ્પિક ગેમ્સ અને વર્લ્ડ એક્વાટિક્સ ચેમ્પિયનશિપ જેવા વૈશ્વિક કાર્યક્રમોની યજમાની કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શહેરોના પુનર્જીવન માટે એક મોટો ઉદ્દીપક બનશે. અમારો હેતુ માત્ર વર્લ્ડ-ક્લાસ સ્ટેડિયમ બનાવવાનો નથી, પરંતુ તેના થકી અમદાવાદ અને ગુજરાતને ભવિષ્યની જરૂરિયાતો મુજબ પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ બનાવવાનો છે.”
તરલ શાહ (ચેરમેન, IGBC અમદાવાદ ચેપ્ટર અને એમડી, શિવાલિક ગ્રુપ)
“સ્પોર્ટ્સ-આધારિત વિકાસ એ માત્ર રમતગમત પૂરતો મર્યાદિત નથી. પરંતુ તે હાઉસિંગ, હોસ્પિટાલિટી અને પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવા ક્ષેત્રોમાં રોકાણની નવી તકો લાવે છે. ગુજરાતની આ વિકાસ યાત્રામાં આપણું ધ્યાન એ બાબત પર હોવું જોઈએ કે દરેક નવું બાંધકામ સંસાધનોનો ઓછો બગાડ કરે અને પર્યાવરણને અનુકૂળ હોય. પ્લાનિંગ અને ડિઝાઇનમાં સસ્ટેનેબિલિટી લાવીને આપણે ગુજરાતને આર્થિક રીતે સક્ષમ અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનાવી શકીએ છીએ.”
આર્કિટેક્ટ જયેશ હરિયાણી (ભૂતપૂર્વ ચેરમેન, IGBC અમદાવાદ અને સીએમડી, INI ડિઝાઇન સ્ટુડિયો)
“સમગ્ર વિશ્વમાં રમતગમતે શહેરોના નકશા અને અર્થતંત્રને બદલવાનું કામ કર્યું છે. જે ગુજરાત માટે પણ એક સુવર્ણ તક છે. આપણે જ્યારે ભવિષ્યના શહેરોનું આયોજન કરીએ, ત્યારે ગ્રીન બિલ્ડિંગ પ્રેક્ટિસ અને ક્લાઇમેટ-રિસ્પોન્સિવ ડિઝાઇન આપણા દરેક નિર્ણયના કેન્દ્રમાં હોવી જોઈએ. આ એકીકૃત પ્લાનિંગ દ્વારા જ આપણે આર્થિક પ્રગતિ અને પર્યાવરણની સુરક્ષા વચ્ચે યોગ્ય સંતુલન જાળવી શકીશું.”
સમીર સિંહા (ભૂતપૂર્વ ચેરમેન, IGBC અમદાવાદ અને એમડી, સેવી ગ્રીન્સ)
“રિયલ એસ્ટેટ સેક્ટરમાં નેટ ઝીરો લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે હવે ડેવલપર્સે વધુ સક્રિય ભૂમિકા ભજવવી પડશે. આપણે પર્યાવરણીય, સામાજિક અને ગવર્નન્સ (ESG)ના ધોરણોને બાંધકામની મૂળ પ્રક્રિયામાં સામેલ કરવાની જરૂર છે. ગ્રીન કન્સ્ટ્રક્શન અને એનર્જી-એફિશિયન્ટ ડેવલપમેન્ટ એ હવે માત્ર એક વિકલ્પ નથી, પરંતુ ભવિષ્યના ટકાઉ રિયલ એસ્ટેટ બિઝનેસની અનિવાર્ય જરૂરિયાત છે.”
શાન ઝવેરી (કો-ચેરમેન, IGBC અમદાવાદ અને પાર્ટનર, કોલેટેડ વેન્ચર્સ LLP)
“ગુજરાતના નવા બની રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પર્યાવરણને ઓછું નુકસાન થાય તેવા (Low-Carbon) કન્સ્ટ્રક્શન સોલ્યુશન્સ અપનાવવા ખૂબ જ જરૂરી છે. નવી ટેકનોલોજી, ટકાઉ મટીરીયલ અને પાણીનો બચાવ કરતી સિસ્ટમ્સના ઉપયોગ દ્વારા આપણે પર્યાવરણીય નુકસાનને નોંધપાત્ર રીતે ઘટાડી શકીએ છીએ. ઉદ્યોગો અને ટેકનોલોજીના સમન્વયથી જ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સપનું સાકાર થશે.”
સમિટના અંતે સસ્ટેનેબલ ઈન્ટિરિયર ડિઝાઇન અને લો-કાર્બન સિમેન્ટના ઉપયોગ અંગેના ખાસ વર્કશોપ યોજાયા હતા. તમામ સહભાગીઓએ ગુજરાતના નેટ ઝીરો અને ક્લાઇમેટ-રેઝિલિયન્ટ ગ્રોથના વિઝનને પૂરું કરવા માટે સાથે મળીને કામ કરવાની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.






