નબળા ચોમાસા, મોંઘા ક્રૂડથી મોંઘવારી વધવાની શક્યતા

નવી દિલ્હીઃ દેશના અર્થતંત્રને લઈને અનિશ્ચિતતા વધી રહી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ, મોંઘા ક્રૂડ ઓઇલ અને નબળા ચોમાસાની આશંકાને કારણે આવનારા મહિનાઓમાં મોંઘવારી વધવાની શક્યતા છે અને આર્થિક વૃદ્ધિ પર દબાણ વધી શકે છે, એમ અહેવાલ કહે છે. દિલ્હીમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ભૂતપૂર્વ નીતિનિર્માતાઓ સાથે થયેલી ચર્ચામાં એ સંકેત મળ્યો છે કે હાલ અર્થતંત્ર સામેનાં જોખમો વધી ગયાં છે. અધિકારીઓનું માનવું છે કે જો પશ્ચિમ એશિયામાં ઊર્જા સપ્લાય સંબંધિત સમસ્યાઓ લાંબા સમય સુધી યથાવત્ રહે અને ચોમાસું સામાન્ય કરતાં નબળું રહે તો તેની સીધી અસર મોંઘવારી અને આર્થિક વૃદ્ધિ બંને પર પડી શકે છે.

 અર્થતંત્રની ગતિમાં મંદીનાં સંકેતો

દેશમાં આર્થિક પ્રવૃત્તિઓમાં થોડો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ PMI, IIP, કોર સેક્ટર ડેટા, બિઝનેસ કોન્ફિડન્સ અને કન્ઝ્યુમર કોન્ફિડન્સ જેવા મોટા સૂચકોમાં નરમાઈ જોવા મળી રહી છે. આ ઉપરાંત અલ-નિનોને કારણે સામાન્ય કરતાં નબળા ચોમાસાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જો વરસાદ ઓછો રહે તો તેની અસર ખેતી, ગ્રામીણ માગ અને ખાદ્ય મોંઘવારી પર પડી શકે છે.

ઓઇલની સપ્લાયમાં મુશ્કેલી નથી, પરંતુ ભાવ ઊંચા રહી શકે

સરકારી અધિકારીઓનું કહેવું છે કે હાલમાં ઓઇલ અને ઊર્જાની સપ્લાય અંગે કોઈ મોટી સમસ્યા નથી. જોકે પશ્ચિમ એશિયામાં ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાન અને ઉત્પાદન ઘટાડાને કારણે સપ્ટેમ્બર સુધી કિંમતો ઊંચી રહી શકે છે. રિપોર્ટમાં અમેરિકાની ઊર્જા એજન્સી EIAનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના મુજબ 2026માં બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 96 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. જોકે 2027માં કિંમતો ઘટીને આશરે 76 ડોલર પ્રતિ બેરલ સુધી આવી શકે છે.

 શું પેટ્રોલ-ડીઝલ મોંઘાં થઈ શકે?

સરકારી અધિકારીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો અંગે કોઈ સ્પષ્ટ સંકેત આપ્યો નથી. જોકે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો કાચા તેલની કિંમતો લાંબા સમય સુધી ઊંચી રહે તો સરકાર આખો ભાર પોતે સહન કરી શકશે નહીં. આવી સ્થિતિમાં કેટલાક ખર્ચનો ભાર કંપનીઓ અને ગ્રાહકો પર પણ મૂકવામાં આવી શકે છે. રિપોર્ટ મુજબ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો સરકારને વાર્ષિક અંદાજે એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડી શકે છે. સરકારે પહેલેથી જ લગભગ એક લાખ કરોડ રૂપિયાનું ફંડ તૈયાર રાખ્યું છે, જેથી જરૂર પડે ત્યારે આર્થિક ઝટકાઓનો સામનો કરી શકાય.