ભારતીય નૌસેનાના અદ્યતન એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વૉટરક્રાફ્ટ (ASW-SWC) ‘આઈએનએસ માલવન’ (INS Malvan) ના નિર્માણ સાથે સુરતે દેશની સંરક્ષણ ક્ષમતાઓમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરી છે. આ યુદ્ધજહાજ માટે વપરાયેલું 100% વિશિષ્ટ સ્ટીલ એએમ/એનએસ ઈન્ડિયા (AM/NS India) ના હજીરા સ્થિત પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવ્યું છે. 22 જુલાઈ, 2026ના રોજ કર્ણાટકના કારવાર ખાતે ભારતીય નૌસેનામાં સામેલ કરાયેલું આ યુદ્ધજહાજ ભારતને સંરક્ષણ ક્ષેત્રે સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવાની દિશામાં સુરત અને હજીરા પ્લાન્ટની અગ્રણી ભૂમિકાને દર્શાવે છે.

80% થી વધુ સ્વદેશી ટેકનોલોજી અને વિશેષતા
કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત આઈએનએસ માલવન એ માહે-ક્લાસ એએસડબ્લ્યુ-એસડબ્લ્યુસી શ્રેણીના કુલ આઠ યુદ્ધજહાજો પૈકીનું બીજું જહાજ છે, જે નૌસેનામાં વિધિવત સામેલ થયું છે. 80% થી વધુ સ્વદેશી ઘટકો ધરાવતી આ ફાઈટર શ્રેણી ભારતના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ અભિયાનને વેગ આપે છે. આ જહાજ મુખ્યત્વે સમુદ્રી સરહદોની સુરક્ષા, એન્ટિ-સબમરીન વૉરફેર, માઈન વૉરફેર અને કોસ્ટલ સર્વેલન્સ જેવા મહત્વના મિશનો પાર પાડશે.

નૌસેનાના તમામ 8 યુદ્ધજહાજો માટે સ્ટીલ સપ્લાય કરશે હજીરા પ્લાન્ટ
એએમ/એનએસ ઈન્ડિયા ભારતીય નૌસેના માટે નિર્માણાધીન તમામ આઠેય એએસડબ્લ્યુ-એસડબ્લ્યુસી યુદ્ધજહાજો માટે જરૂરી ૧૦૦% વિશિષ્ટ સ્ટીલ પૂરું પાડી રહ્યું છે. આ ઉપરાંત કંપનીએ આઈએનએસ વિશાખાપટ્ટનમ અને આઈએનએસ સુરત જેવા અત્યાધુનિક નૌસેના પ્લેટફોર્મ્સ માટે પણ સ્પેશિયલ ગ્રેડ સ્ટીલ સપ્લાય કર્યું છે. સંસ્થાના સેલ્સ એન્ડ માર્કેટિંગ વિભાગના ડિરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ શ્રી રંજન ધારએ આ ક્ષણને હજીરા પ્લાન્ટની ઉત્કૃષ્ટ ઉત્પાદન ક્ષમતાઓ, ટેક્નિકલ નવતર પ્રયોગો અને ઉચ્ચ ગુણવત્તાના માપદંડોની મોટી જીત ગણાવી હતી.
દેશના આઈકોનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પણ હજીરા સ્ટીલનું યોગદાન
માત્ર યુદ્ધજહાજો જ નહીં, પરંતુ દેશના નિર્માણમાં હજીરા પ્લાન્ટનું સ્ટીલ કરોડરજ્જુ સાબિત થયું છે. જેમાં ચેનાબ રેલવે બ્રિજ (વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ), અંજી ખાદ રેલવે બ્રિજ (ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલવે બ્રિજ), બોગીબીલ બ્રિજ અને ઈન્ડિયન ન્યુટ્રિનો ઓબ્ઝર્વેટરી જેવા દેશના સૌથી મહત્વપૂર્ણ અને જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પણ હજીરાના સ્ટીલનો જ ઉપયોગ થયો છે. આમ, દેશના આંતરમાળખાકીય વિકાસથી લઈને સરહદોની સશક્ત સમુદ્રી સુરક્ષા સુધી, રાષ્ટ્રનિર્માણમાં સુરતનું યોગદાન સતત વિસ્તરી રહ્યું છે.

