રોનાલ્ડો અને કોહલીના લાખો ફોલોઅર્સ રાતોરાત ગાયબ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર છેલ્લા 24 કલાકમાં કંઈક એવું બન્યું છે જેનાથી આખું બોલિવૂડ અને સ્પોર્ટ્સ જગત ચોંકી ગયું છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, વિરાટ કોહલી, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા જેવા દિગ્ગજ સિતારાઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અચાનક લાખોની સંખ્યામાં ફોલોઅર્સ ઓછા થઈ ગયા છે. એક જ રાતમાં આટલો મોટો ઘટાડો જોઈને શરૂઆતમાં યૂઝર્સને લાગ્યું કે આ કોઈ ટેકનિકલ ખામી (Glitch) છે, પરંતુ સત્ય કંઈક અલગ જ છે.

મેટાએ કેમ ચલાવી ‘સફાઈ ઝુંબેશ’?

ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની ‘મેટા’ દ્વારા પ્લેટફોર્મ પર ઓથેન્ટિસિટી એટલે કે વિશ્વસનીયતા વધારવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કંપનીએ લાખોની સંખ્યામાં ફેક એકાઉન્ટ્સ, લાંબા સમયથી બંધ પડેલા (Inactive) એકાઉન્ટ્સ અને બોટ્સ (Bots) એકાઉન્ટ્સને કાયમી ધોરણે રિમૂવ કરી દીધા છે. આ જ કારણ છે કે જે સેલેબ્સના ફોલોઅર્સ લિસ્ટમાં આવા નકલી એકાઉન્ટ્સ હતા, તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

કોના કેટલા ફોલોઅર્સ ઘટ્યા?

બોલિવૂડ નાઉના અહેવાલ મુજબ, વિશ્વના સૌથી લોકપ્રિય ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સૌથી વધુ 6.6 મિલિયન ફોલોઅર્સ ઘટ્યા છે. આ યાદીમાં અન્ય સ્ટાર્સના આંકડા પણ ચોંકાવનારા છે:

લિયોનલ મેસી: 4.8 મિલિયન

જસ્ટિન બીબર: 4.3 મિલિયન

વિરાટ કોહલી: 2 મિલિયન

પ્રિયંકા ચોપરા: 1.1 મિલિયન

શ્રદ્ધા કપૂર: 1 મિલિયન

આલિયા ભટ્ટ: 1 મિલિયન

ફેક એકાઉન્ટ્સનો ખેલ અને ઇન્સ્ટાગ્રામનું કડક વલણ

ઘણીવાર સેલિબ્રિટીઝ, ઇન્ફ્લુએન્ઝર્સ અને એજન્સીઓ પોતાનું સોશિયલ મીડિયા એન્ગેજમેન્ટ વધારવા માટે બોટ્સ અથવા ફેક એકાઉન્ટ્સનો સહારો લેતી હોય છે. આવા નકલી એકાઉન્ટ્સ દ્વારા લાઈક્સ અને કોમેન્ટ્સ વધારીને લોકપ્રિયતાનો દેખાડો કરવામાં આવે છે. મેટાએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે પ્લેટફોર્મ પર માત્ર રિયલ યૂઝર્સ જ રહેશે. આ સફાઈ અભિયાનની અસર માત્ર મોટા સેલેબ્સ પર જ નહીં, પરંતુ નાના કન્ટેન્ટ ક્રિએટર્સ પર પણ જોવા મળી છે.