ઇન્ટેલની 24,000 નોકરીઓ ખતમ કરવાની યોજના

નવી દિલ્હીઃ અમેરિકાની ચિપ ઉત્પાદક કંપની ઇન્ટેલ (Intel)એ નવેમ્બરમાં વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા છે. કંપની સતત ખર્ચ ઘટાડવા, કામગીરી સરળ બનાવવા અને સંઘર્ષ કરી રહેલા પોતાના વ્યવસાયને ફરીથી પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રક્રિયામાં અનેક હોદ્દાઓ નાબૂદ કરવામાં આવી રહ્યા છે અને કર્મચારીઓની છટણી થઈ રહી છે. આ છટણી CEO લિપ-બૂ ટાનની દેખરેખ હેઠળ થઈ રહી છે.

એક અહેવાલ અનુસાર નવેમ્બર, 2026થી શરૂ થયેલી આ છટણીની અસર ઇન્ટેલના વૈશ્વિક આઈટી કર્મચારીઓ પર પડી છે. જોકે કંપનીએ તાજેતરમાં થયેલી છટણીમાં કેટલા કર્મચારીઓ પ્રભાવિત થયા છે અથવા કઈ ટીમોમાં છટણી કરવામાં આવી છે તે અંગે હજુ કોઈ માહિતી આપી નથી. છેલ્લાં બે વર્ષમાં કંપની અગાઉ પણ હજારો નોકરીઓ નાબૂદ કરી ચૂકી છે. “વધુ કેન્દ્રિત અને કાર્યક્ષમ કંપની બનવાની અમારી વ્યાપક વ્યૂહરચનાના ભાગરૂપે, અમે સતત અમારા કર્મચારીઓની સંખ્યાનું મૂલ્યાંકન કરતા રહીએ છીએ, જેથી અમારી પ્રાથમિકતાઓ અને સંસાધનો યોગ્ય રીતે ગોઠવાયેલા રહે તેની ખાતરી કરી શકાય, એમ તેમણે જણાવ્યું હતું.

ઇન્ટેલમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો

છેલ્લાં બે વર્ષમાં અને તાજેતરમાં થયેલી છટણીને કારણે ઇન્ટેલના કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કંપનીના દસ્તાવેજો અનુસાર સપ્ટેમ્બરના અંતે ઇન્ટેલમાં 81,100 કર્મચારીઓ હતા, જ્યારે 2025ના અંતે આ સંખ્યા 85,100 હતી. એટલે કે વર્ષના પ્રથમ નવ મહિનામાં કંપનીના કર્મચારીઓની સંખ્યામાં 4000નો ઘટાડો થયો છે.

આ પહેલાં જુલાઈ, 2026માં કંપનીએ તેના ડેટા સેન્ટર અને એઆઈ (Data Center and AI) વિભાગમાં પણ છટણી કરી હતી. CEO લિપ-બૂ ટાનના કાર્યભાર સંભાળ્યા બાદ જુલાઈ, 2025માં કંપનીએ મોટા પાયે પુનર્ગઠનની યોજના બનાવી હતી, જેમાં અમેરિકામાં 5000થી વધુ નોકરીઓમાં કાપ અને અનેક મોટા પ્રોજેક્ટ્સને મર્યાદિત કરવાનો સમાવેશ થતો હતો.

કંપનીમાંથી કર્મચારીઓને કેમ કાઢવામાં આવી રહ્યા છે?

CEO લિપ-બૂ ટાન કંપનીનો ખર્ચ ઘટાડવા, મેનેજમેન્ટના બિનજરૂરી સ્તરો દૂર કરવા અને ઓછી પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટ્સમાંથી સંસાધનો હટાવવા પર કામ કરી રહ્યા છે. વિવિધ ઉત્પાદન પ્રક્રિયાઓમાં વિલંબ અને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) ચિપ બજારમાં એનવિડિયા (Nvidia) તથા એએમડી (AMD) જેવા પ્રતિસ્પર્ધીઓથી પાછળ રહી ગયા બાદ ઇન્ટેલ હવે પોતાની સ્પર્ધાત્મકતા ફરીથી હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી છે.