વિદ્યાર્થીઓનાં હિતો અમારા માટે સર્વોપરી છેઃ વડા પ્રધાન મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે NDAના “મંગલ મિલન” સમારંભમાં નીટ પરીક્ષાથી લઈને અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે પેપર લીક જેવા ગંભીર મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. વિદ્યાર્થીઓનાં હિતો અમારા માટે સૌથી અગત્યનાં છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી જંતર-મંતર પર કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો દ્વારા નીટ પરીક્ષામાં પેપર લીકને મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

NDA સંસદીય દળને સંબોધતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વિવિધ દેશો સાથે થયેલા કરારોમાં ખેડૂતોનાં હિતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે ભારતે જે પણ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) કર્યા છે, તેમાં ખેડૂતોનાં હિતોની સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે.

બાળકોનો રાજકીય હેતુઓ માટે ઉપયોગ ન થવો જોઈએ

બેઠક દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે નીટ મુદ્દે વિરોધ પક્ષ દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે હતું પેપર લીકની ઘટના સામે આવતાં જ સરકારે તરત જ કાર્યવાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે નીટનું પરિણામ પણ ઝડપથી જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકોનો રાજકીય લાભ માટે ઉપયોગ ન થવો જોઈએ અને તેમના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારનો ખેલ ન થવો જોઈએ.

કડક પગલાં લેવામાં આવ્યાં

તેમણે જણાવ્યું કે પુનઃ પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ અને તેનું પરિણામ જાહેર કરવામાં પણ વિલંબ કરવામાં આવ્યો નહોતો. ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે વધુ કડક વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી છે.

ટોચના વકીલોને સહયોગ માટે અપીલ

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે પેપર લીકમાં સંડોવાયેલા અને દોષિત સાબિત થયેલા લોકોને જેલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે અપીલ કરી કે આવા આરોપીઓને શક્ય તેટલી કડક સજા અપાવવા માટે દેશના શ્રેષ્ઠ કાનૂની નિષ્ણાતો અને વકીલો પણ આગળ આવે. પેપર લીક જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા લોકોને કડકમાં કડક સજા મળવી જોઈએ.