નવી દિલ્હીઃ વર્ષ 2027ની વસતિ ગણતરીમાં જાતિઓની ગણતરીનો મુદ્દો રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યો છે. સરકારે જાતિઓની માહિતી એકત્ર કરવા માટે ડ્રોપ-ડાઉન મેનુને બદલે ‘ઓપન-એન્ડેડ સવાલ’ની પદ્ધતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લઈને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે યોગ્ય આંકડા વિના સામાજિક ન્યાય સાથે જોડાયેલી નીતિઓનો અસરકારક રીતે અમલ કરી શકાય નહીં.
પ્રાપ્ત માહિતી અનુસાર આ સમગ્ર પ્રક્રિયા સાથે જોડાયેલા સરકારના બે મહત્વના એકમો—ભારતના રજિસ્ટ્રાર જનરલનું કાર્યાલય (ORGI) અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય (MoSJE)—પણ દરેક મુદ્દે એકમત નહોતા. સૂત્રોના જણાવ્યાનુસાર પહેલી જૂને યોજાયેલી એક મહત્વની બેઠકમાં મંત્રાલયના અધિકારીઓએ જાતિઓની ગણતરી માટે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ (NCBC) પાસે ઉપલબ્ધ OBC જાતિઓની યાદી શેર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે સૂત્રોનું કહેવું છે કે રજિસ્ટ્રાર જનરલના કાર્યાલય દ્વારા તૈયાર કરાયેલા બેઠકના પ્રારંભિક ડ્રાફ્ટમાં આ પ્રસ્તાવને યોગ્ય રીતે નોંધવામાં આવ્યો નહોતો.

મંત્રાલયના વાંધા બાદ ડ્રાફ્ટમાં ફેરફાર
મંત્રાલય દ્વારા વાંધો વ્યક્ત કરવામાં આવ્યા બાદ રજિસ્ટ્રાર જનરલના કાર્યાલયે સુધારેલો ડ્રાફ્ટ સ્વીકારી લીધો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર આ પ્રસ્તાવ ભારતના રજિસ્ટ્રાર જનરલ મૃત્યુન્જયકુમાર નારાયણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં વધારાના રજિસ્ટ્રાર જનરલ સુનીલ કુમાર, મંત્રાલયના સંયુક્ત સચિવ શૈલેન્દ્ર કુમાર અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે આઠ જૂને રજિસ્ટ્રાર જનરલના કાર્યાલયે બેઠક અંગે ચાર ફકરાની એક નોંધ બહાર પાડી હતી. આ નોંધમાં જણાવાયું હતું કે મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું કે જાતિઓની યાદી તૈયાર રાખવા માટે કોઈ બંધારણીય જોગવાઈ નથી અને તેથી તેમની પાસે આવી કોઈ યાદી ઉપલબ્ધ નથી.
જોકે નોંધમાં એવું પણ જણાવાયું હતું કે મંત્રાલય પાસે અનુસૂચિત જાતિ (SC)ની સૂચિત યાદી છે, જેમાં 1258 એન્ટ્રીઓ છે. આ ઉપરાંત મંત્રાલય પાસે અન્ય પછાત વર્ગ (OBC)ની કેન્દ્રીય યાદી છે, જેમાં 2483 એન્ટ્રીઓ છે. જરૂર પડ્યે આ બંને યાદીઓ રજિસ્ટ્રાર જનરલના કાર્યાલયને ઉપલબ્ધ કરાવી શકાય છે. સૂત્રોના જણાવ્યાનુસાર નોંધમાં આગળ કહેવામાં આવ્યું હતું કે જાતિઓની કોઈ યાદી ઉપલબ્ધ ન હોવાથી 2027ની વસ્તી ગણતરીમાં પ્રશ્નમાં અગાઉથી નક્કી કરાયેલી જાતિઓની યાદી આપીને જાતિઓની ગણતરી કરવી શક્ય નહીં બને.




