સિમલાઃ હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં સંગઠનાત્મક નિમણૂકોને લઈને ચાલી રહેલી આંતરિક ખેંચતાણ ફરી એક વાર જાહેરમાં સામે આવી છે. સિમલાના રાજીવ ભવનમાં આયોજિત એક ઔપચારિક કાર્યક્રમ દરમિયાન પ્રદેશના વરિષ્ઠ મંત્રી જગત સિંહ નેગીએ પોતાની જ સરકાર અને પાર્ટી સંગઠન સામે મોરચો ખોલ્યો હતો. મહેસૂલ મંત્રી જગત સિંહ નેગીએ પાર્ટીના સંગઠન પર સવાલ ઉઠાવતાં આરોપ લગાવ્યો હતો કે વફાદાર કાર્યકરોની અવગણના કરીને ‘જયચંદો’ અને ભાજપના ‘સ્લીપર સેલ’ તરીકે કામ કરનારા લોકોને પદ આપવામાં આવી રહ્યા છે.
મંત્રી નેગીએ આ વાત રાજીવ ભવનમાં આયોજિત હિમાચલ પ્રદેશ કોંગ્રેસ કમિટીના આદિવાસી/અનુસૂચિત જનજાતિ વિભાગના પદભાર સંભાળવાના કાર્યક્રમ દરમિયાન કહી હતી. કાર્યક્રમમાં લાહૌલ-સ્પિતિનાં ધારાસભ્ય અનુરાધા રાણાએ વિભાગના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આ દરમિયાન મંચ પર આદિવાસી વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. વિક્રાંત ભૂરિયા અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ વિનય કુમાર સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
સંગઠનમાં જૂથબાજીનો આરોપ
આ કાર્યક્રમ દરમિયાન જગત સિંહ નેગીએ અનુરાધા રાણાને નવી જવાબદારી સંભાળવા બદલ શુભેચ્છા પાઠવી હતી. ત્યાર બાદ તેમણે પાર્ટીની અંદર જૂથબાજી, શિસ્તભંગ અને કથિત આંતરિક મતભેદોનો મુદ્દો ઉઠાવ્યો હતો. મંત્રી નેગીએ સંગઠનની કામગીરી પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ એક તરફ ભાજપ અને RSSની વિચારધારાનો સામનો કરવાનો દાવો કરે છે, પરંતુ સંગઠનની અંદર એવા લોકોને પણ મહત્વની જવાબદારીઓ આપવામાં આવી રહી છે, જેમની વફાદારી પર સવાલો છે. નેગીએ આવા લોકો માટે ‘જયચંદ’, ‘ભાગેડુ’ અને ‘ભાજપના સ્લીપર સેલ’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે લાંબા સમયથી પાર્ટી માટે કામ કરતા જમીની કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે, જ્યારે તકવાદી લોકોને સંગઠનમાં પદ આપવામાં આવી રહ્યા છે.
નિમણૂકોને લઈને અગાઉ પણ સવાલ ઉઠાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે મહેસૂલ મંત્રી તાજેતરમાં પ્રદેશ, જિલ્લા અને બ્લોક સ્તરે થયેલી કેટલીક નિમણૂકોને લઈને પણ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. કાર્યક્રમ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે દાયકાઓથી લાઠીઓ ખાઈને અને પાર્ટીનો ઝંડો ઉઠાવીને સંગઠનને મજબૂત કરનારા જમીની કાર્યકરોને સંપૂર્ણપણે નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે.



