નવી દિલ્હી: દિલ્હીની ક્રાઇમ બ્રાંચને આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરી ગેંગનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે પાકિસ્તાનની ISI સાથે જોડાયેલા એક મોટા આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરી ગેંગને પકડી પાડી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગેંગ પાકિસ્તાનના માધ્યમથી તુર્કી અને ચીનમાં બનેલી હાઇ-એન્ડ પિસ્તોલ ભારતમાં સપ્લાય કરતો હતો. આ હથિયારો વિવિધ જગ્યાએ સપ્લાય થતા અને ગુનાહિત કાર્યોમાં વપરાય તેના પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે તસ્કરોને ઝડપી લીધા છે.
તસ્કરો પાસેથી શું-શું મળી આવ્યું?
પ્રાપ્ત માહિતી મુજબ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરી ગેંગના ચાર મહત્વપૂર્ણ સભ્યોની ધરપકડ કરી કરી છે. તેમની પાસેથી 10 વિદેશી મોંઘી પિસ્તોલ અને 92 જીવંત કારતૂસ જપ્ત કરી લેવામાં આવ્યાં છે. આ હથિયારો દિલ્હી અને આસપાસનાં રાજ્યોમાં ગુનેગારો અને ગેંગસ્ટરો સુધી પહોંચાડવામાં આવી રહ્યાં હતાં.
ISIના ઇશારે કેવી રીતે થતી હતી તસ્કરી?
દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે આ આખું નેટવર્ક પાકિસ્તાનની ISI સાથે જોડાયેલા લોકોના નિયંત્રણ હેઠળ કાર્યરત હતું. પહેલા હથિયારો પાકિસ્તાન પહોંચાડાતાં અને પછી ત્યાંથી ચોરીછૂપીથી ભારતની સરહદની અંદર લાવવામાં આવતાં હતાં.

એજન્સીઓની વધુ ચુસ્ત નજર
દિલ્હીમાં 10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓએ દેખરેખ વધુ કડક કરી છે. દરેક શંકાસ્પદ હલચલ પર નજર રાખવામાં આવી રહી છે અને આતંકવાદ સાથે જોડાયેલા લોકોને પકડી પાડવામાં આવી રહ્યા છે. લાલ કિલ્લા વિસ્ફોટની ઘટનામાં 15 લોકોનાં મોત થયાં હતાં અને બે ડઝન કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા.


