ગુજરાત પોલીસે ૫ વર્ષમાં રૂ. ૧૩,૬૦૦ કરોડનું ડ્રગ્સ પકડ્યું

ગાંધીનગર: ૨૬મી જૂન એટલે કે ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ’..ગુજરાત પોલીસે ડ્રગ માફિયાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવીને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત પોલીસની કડકાઈના કારણે આજે માફિયાઓ ગુજરાત થઈને અન્ય રાજ્યોમાં માલ લઈ જતા પણ ધ્રુજી રહ્યા છે.રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકે છેલ્લા પાંચ વર્ષની આક્રમક કામગીરીના આંકડા આપતા જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન ડ્રગ્સની હેરાફેરી વિરૂદ્ધ ૩,૭૦૦થી વધુ ગુના નોંધીને ૫,૩૪૬ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. પોલીસે અંદાજે રૂ. ૧૩,૬૦૦ કરોડથી વધુ કિંમતનો ૧.૩૬ લાખ કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના યુવાધનને પણ બરબાદ થતું અટકાવ્યું છે. વર્ષ ૨૦૨૦માં જ્યાં નાર્કોટિક્સના ૩૧૫ કેસ હતા, તેની સામે ચાલુ વર્ષે માત્ર પાંચ મહિનામાં જ ૫૮૪ કેસ શોધી કાઢવામાં આવ્યા છે, જે પોલીસની વધેલી સર્વેલન્સ ક્ષમતા દર્શાવે છે.

ડ્રગ્સ સામેની આ લડાઈને વધુ તેજ બનાવવા ગુજરાત સરકારે ક્રાંતિકારી નિર્ણયો લીધા છે. ડ્રગ્સના નેટવર્કને ખુલ્લા પાડનારા પોલીસકર્મીઓ અને બાતમીદારો માટે ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ અમલી બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ ઉપરાંત જીવના જોખમે રેકેટ પકડનારા અધિકારીઓ માટે ‘આઉટ-ઓફ-ટર્ન પ્રમોશન’ની ઐતિહાસિક નીતિ અમલી કરાઈ છે. હવે માત્ર ATS કે SOG જ નહીં, પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશનોને પણ નાર્કોટિક્સના કેસની સીધી તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે.ગુજરાત પોલીસે ટેકનોલોજીના ક્ષેત્રે પણ મોટું કદમ ઉઠાવ્યું છે. ગુનેગારોની પ્રોફાઈલિંગ અને ઇન્ટરનેશનલ કનેક્શન ટ્રેક કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ‘NARIT’ સોફ્ટવેર તૈયાર કરાયું છે, જે ‘ટોપ ટુ બોટમ એપ્રોચ’ સાથે ગુનાના મૂળ સુધી પહોંચવામાં મદદ કરે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક માનવીય અભિગમ પણ રજૂ કર્યો છે કે, આ લડાઈ માત્ર ગુનેગારોને પકડવાની નથી, પરંતુ નશાના દલદલમાં ફસાયેલા યુવાનોને કાઉન્સિલિંગ અને આધુનિક વ્યસનમુક્તિ કેન્દ્રો દ્વારા પુનઃ સમાજની મુખ્ય ધારામાં લાવવાની પણ છે.