UNGA માં પહોંચતા જ શાહબાઝ શરીફની ફજેતી

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 81મા સત્રમાં હાજરી આપવા માટે ન્યૂયોર્ક પહોંચેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફને અમેરિકાની ધરતી પર પહોંચતા જ ભારે અપમાન અને વિરોધનો સામનો કરવો પડ્યો છે. યુએનના મંચ પર પાકિસ્તાનનો પક્ષ રજૂ કરે તે પહેલા જ ન્યૂયોર્કની સડકો પર શહબાઝ શરીફ અને તેમની સરકાર સામે પ્રદર્શનો શરૂ થઈ ગયા છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી વર્તુળોમાં પાકિસ્તાનની ભારે ફજેતી થઈ રહી છે. ન્યૂયોર્કના સૌથી વ્યસ્ત અને મુખ્ય પેન સ્ટેશન (Penn Station) બહાર અમેરિકામાં વસતા ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ (PTI) ના સમર્થકોએ શહબાઝ શરીફ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થળ પર મોટા મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં શહબાઝ શરીફને ‘ચોર’ અને ‘ચેરી પોલિશ’ ગણાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પોસ્ટરો પર ‘ચોરોની સરકાર મંજૂર નથી’ અને નકલી જનાદેશથી બનેલી ‘ફોર્મ 47’ સરકારના વડાપ્રધાન લખીને આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.

12 અબજ રૂપિયાના વૈભવી વિમાન પર ઘેરાયા

પાકિસ્તાન હાલ ચરમસીમાએ પહોંચેલા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ કટોકટી વચ્ચે શહબાઝ શરીફે પોતાના ખર્ચમાં કાપ મૂકવાનો બચાવ કરતા માત્ર નાયબ પ્રધાનમંત્રી ઈશાક દાર અને ખાસ સહાયક તારિક ફાતમી જેવા નાના પ્રતિનિધિમંડળ સાથે પ્રવાસ કર્યો છે. પરંતુ વિરોધ કરાનારાઓએ તેમના આ દાવાની પોલ ખોલી નાખી છે. પોસ્ટરમાં 12 અબજ પાકિસ્તાની રૂપિયાના એ જ આલીશાન વિમાનની તસવીર છાપવામાં આવી છે, જે આ જ વર્ષે February માં પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફે પોતાના માટે ખરીદ્યું હતું. પ્રદર્શનકારીઓએ સવાલ ઉઠાવ્યો છે કે જે દેશની રાષ્ટ્રીય એરલાઈન ‘PIA’ ની બોલી માત્ર 10 અબજ રૂપિયા લાગી રહી હોય, ત્યાંના શાસકો જનતાના ટેક્સના પૈસાથી 12 અબજનું પ્રાઈવેટ જેટ ઉડાવી રહ્યા છે.

અમેરિકામાં રાજદ્વારી સ્તરે અલગ-થલગ પડ્યું પાકિસ્તાન

એરપોર્ટ પર ઉતરાણથી લઈને ન્યૂયોર્કની સડકો સુધી શહબાઝ શરીફને કોઈ જ મોટો આવકાર મળ્યો નથી. રાજકીય વિશ્લેષકોના મતે, ઈરાન સાથેના કરાર અને શાંતિ વાટાઘાટોમાં નિષ્ફળ રહેલા પાકિસ્તાનને અમેરિકાએ સંપૂર્ણપણે અલગ-થલગ કરી દીધું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પણ તાજેતરમાં જ સ્વીકાર્યું હતું કે અમેરિકા પાકિસ્તાનનો માત્ર ઉપયોગ કરીને ફેંકી દે છે. હવે આંતરરાષ્ટ્રીય મીડિયા અને રાજદ્વારીઓ સામે ઈમરાન ખાનની મુક્તિ અને પાકિસ્તાનમાં કથિત ફાસીવાદ વિરુદ્ધ લાગેલા આ પોસ્ટરોએ શહબાઝ સરકાર માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે.