ગુજરાત સાયન્સ સિટી ખાતે કરવામાં આવી આંતરરાષ્ટ્રીય મૂન ડેની ઉજવણી

ગુજરાત સાયન્સ સિટીમાં આંતરરાષ્ટ્રીય મૂન ડે (International Moon Day) ઉત્સાહપૂર્વક અને વૈજ્ઞાનિક ઊર્જા સાથે ઉજવવામાં આવ્યો. આ વિશિષ્ટ અવસરે, વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીની મુલાકાત લીધી અને ચંદ્ર વિશેની રસપ્રદ અને માહિતીપ્રદ વાતો જાણવાની તક મેળવી.

આ પ્રસંગે ISRO (ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા)ના વૈજ્ઞાનિક આશિષ સોની ખાસ ઉપસ્થિત રહ્યા, અને “ચંદ્ર અને તેના વૈજ્ઞાનિક રહસ્યો” વિષય પર વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને રસપ્રદ માહિતી આપી. તેમણે ચંદ્રયાન મિશનો, ચંદ્રની પૃષ્ઠભૂમિ, ગ્રેવિટી તેમજ ISROના Moon Missionsના અનુભવો શેર કરતા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા.

સાયન્સ સિટીના એસ્ટ્રોનોમી ગેલેરી ખાતે વિદ્યાર્થીઓ માટે ચંદ્ર પર આધારિત મોડલ બનાવવા, “મેક યોર ઓન પ્લેનેટ”, અને “ચંદ્રના તબક્કા” જેવી STEM પ્રવૃત્તિઓ પણ આયોજિત કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લીધો.

ગુજરાત સાયન્સ સિટી સતત એવું પ્લેટફોર્મ બની રહ્યું છે જ્યાં વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે વિદ્યાર્થીઓને અનુભવ આધારિત શિક્ષણ મળી રહે છે. આવી ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા અને પ્રેરણા વધુ વેગ પામે છે