X(ટ્વિટર)ને ગૃહ મંત્રાલય તરફથી 91 ટેકડાઉન નોટિસ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે માર્ચ, 2024માં સાયબર ક્રાઇમ સામે લડવા માટે સહયોગ (Sahyog) પોર્ટલને એક ટૂલ તરીકે લોન્ચ કર્યો હતો. ત્યાર બાદ લગભગ બે વર્ષના ગાળામાં ગૃહ મંત્રાલય (MHA)એ X Corp (ટ્વિટર)ને કુલ 91 ટેકડાઉન નોટિસ જારી કરી છે. આ નોટિસોમાં 1100થી વધુ URLને રેડ-ફ્લેગ એટલે કે ચિહ્નિત કરવામાં આવી હતી. 

આ URLમાંથી અડધાથી વધુ (566 URL)ને જાહેર વ્યવસ્થા ભંગ કરવી (disturbing public order)ના ગુના હેઠળ ચિહ્નિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 124 URL એવી હતી, જેમાં રાજકીય અને જાહેર હસ્તીઓને નિશાન બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

20 માર્ચ, 2024થી 7 નવેમ્બર, 2025 વચ્ચે જારી કરાયેલી આ નોટિસ મુજબ ગયા વર્ષે Xને કુલ 58 ટેકડાઉન નોટિસ મોકલવામાં આવી હતી. આ નોટિસો ગૃહ મંત્રાલયે આ મહિને દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરી છે. તેમાંની 24 નોટિસ જાહેર શાંતિ ભંગ કરવી અને વૈમનસ્ય ફેલાવવાની કલમો હેઠળ હતી. જ્યારે 2024માં જારી થયેલી ત્રણ અન્ય નોટિસ એવા કન્ટેન્ટ સંબંધિત હતી, જેને રાષ્ટ્રીય અખંડિતતા અને સંપ્રભુતા (national integrity and sovereignty) માટે ખતરો માનવામાં આવ્યો હતો.આ મામલામાં સૌથી વધુ URL (115) એક જ નોટિસમાં સામેલ હતી, જે 13 મે, 2024ના રોજ જારી કરવામાં આવી હતી. આ નોટિસ એક કથિત રીતે છેડછાડ કરાયેલા વિડિયો સાથે સંકળાયેલો હતો, જેમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા પર અસર પાડવાને ઇરાદે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

એપ્રિલ અને મે 2024માં થયેલી લોકસભા ચૂંટણી દરમિયાન Xને મોકલાયેલા ટેકડાઉન નોટિસોમાં કુલ 761 URLને રેડ-ફ્લેગ કરવામાં આવી હતી. તેમાંના નવ નોટિસ (જેમા 198 URL સામેલ હતી) ખાસ કરીને જનપ્રતિનિધિત્વ અધિનિયમ (Representation of the People’s Act)ની જોગવાઈના ઉલ્લંઘનનો હવાલો આપતા હતા.

ગૃહ મંત્રાલય (MHA) હેઠળના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) મારફતે દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરેલા પોતાના એફિડેવિટમાં મંત્રાલયે દાવો કર્યો છે કે X Corp  નોટિસોમાં ઉલ્લેખિત ગેરકાનૂની કન્ટેન્ટ અને તેને આઈટી એક્ટની કલમ 79(3)(b) હેઠળ દૂર કરવાની સત્તા પર વાંધો ઉઠાવી રહ્યું છે.