ન્યુ યોર્ક, ન્યુ જર્સીમાં ભારે વરસાદને લીધે ઇમર્જન્સી સ્થિતિ જાહેર

ન્યુ યોર્કઃ ઉત્તર-પૂર્વ અને મધ્ય એટલાન્ટિકના કેટલાક ભાગોમાં થયેલી ભારે વરસાદને કારણે ન્યુ યોર્ક શહેર અને ઉત્તરીય ન્યુ જર્સીમાં પૂર આવ્યું છે. સ્થિતિને ધ્યાનમાં રાખી ઇમર્જન્સી ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. હાલતને જોતાં ન્યુ જર્સીના ગવર્નર ફિલ મર્ફીએ સોમવારે મોડી રાત્રે ઇમર્જન્સીની સ્થિતિની જાહેરાત કરી છે.

તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે હું રાજ્યના કેટલાક ભાગોમાં અચાનક આવેલા પૂર અને ભારે વરસાદને પગલે ઇમર્જન્સી સ્થિતિ જાહેર કરું છું. કૃપા કરીને ઘરમાં રહો અને અનાવશ્યક મુસાફરી ટાળો. સુરક્ષિત રહો, ન્યુ જર્સી.

નેશનલ વેધર સર્વિસે ન્યુ યોર્ક શહેરમાં પૂરની ચેતવણી જાહેર કરી છે, કારણ કે સોમવાર સાંજ સુધીમાં ભારે તોફાનને કારણે સ્ટેટન આઇલેન્ડ અને મેનહટ્ટન જેવા વિસ્તારોમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે. પૂર્વાનુમાન અનુસાર રાતભર સતત વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ન્યુ યોર્ક શહેરના અધિકારીઓએ નાગરિકોને, ખાસ કરીને બેઝમેન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને તાત્કાલિક સ્થળ ખાલી કરવાની તૈયારી રાખવા સૂચના આપી છે.

ન્યુ યોર્ક સિટી ઇમર્જન્સી મેનેજમેન્ટે X પર લખ્યું છે કે જો તમે બેઝમેન્ટ ફ્લેટમાં રહેતા હો તો સતર્ક રહો. અચાનક પૂરની સ્થિતિ કોઈ ચેતવણી વિના પણ આવી શકે છે, ત્યાં સુધી કે રાત્રે પણ.” અધિકારીઓએ કહ્યું કે ફોન, ટોર્ચ અને જરૂરી સામાન સાથે બેગ તૈયાર રાખો. ઊંચા સ્થળે જવા માટે તૈયાર રહો. ન્યુ યોર્ક અને ન્યુ જર્સીના અધિકારીઓ રાત્રિ સુધી હાઇ અલર્ટ પર રહ્યા હતા. શહેરોમાં વધુ વરસાદ થવાની શક્યતા છે.