1946 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલના ભાવ કડડડભૂસ…

વોશિંગ્ટનઃ અમેરિકામાં ક્રૂડ માટે મંગળવારનો દિવસ બહુ ખરાબ રહ્યો હતો. ક્રૂડ ઓઇલની માગ ઘટતાં અને સંગ્રહક્ષમતા ઓછી હોવાને કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે. ફ્યુચર ટ્રેડિંગ (વાયદા વેપારમાં) ઓઇલની કિંમતો ઘટીને 0 ડોલર પ્રતિ બેરલ થઈ હતી. ઇતિહાસમાં આવું પહેલી વાર થયું છે, જ્યારે અમેરિકી ક્રૂડ ઓઇલની કિંમતો આ સ્તર સુધી આવી ગઈ હોય. 20 એપ્રિલે વોલ સ્ટ્રીટમાં ઓઇલની કિંમતો પાણીની બોટલ કરતાં પણ સસ્તી થઈ હતી. વિશ્લેષકોના જણાવ્યા મુજબ આ પહેલાં 1946માં આ પ્રકારનો ઘટાડો જવો મળ્યો હતો, પણ આ ઘટાડાએ તો એનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે.

નીચા સ્તરેથી કિંમતોમાં સુધારો

જોકે કિંમતો કડડડભૂસ થયા પછી એમાં થોડોક સુધારો થયો હતો. કોરોના વાઇરસના સંક્રમણને કારણે વિશ્વભરમાં કેટલાય દેશોનાં કામકાજ ઠપ છે. બીજી બાજુ માગ ઘટી જતાં ક્રૂડનો ઓવરસપ્લાય થઈ થઈ રહ્યો છે, જેને કારણે મંગળવારે અમેરિકી ક્રૂડનું ફ્યુચરની કિંમત 0 ડોલર પ્રતિ બેરલે આવી ગઈ હતી. ક્રૂડ ફ્યુચર ઘટવાને કારણે અમેરિકી શેરબજાર ડાઉ જોન્સ આશરે 490 પોઇન્ટ તૂટ્યો હતો.

ઘટાડાનું મુખ્ય કારણ

સોમવારે ટ્રેડર્સે મે કોન્ટ્રેક્ટને વેચવાનું શરૂ કર્યું હતું, જેને કારણે ક્રૂડની કિંમતોમાં કડાકો બોલી ગયો હતો. વિશ્લેષકોએ ચેતવણી આપી હતી કે આવતા મહિના સુધી ક્રૂડની કિંમતોમાં ઘટાડો ચાલુ રહે એવી શક્યતા છે. ક્રૂડની કિંમતો ઘટવાને કારણે અમેરિકી ઓઇલ કંપનીઓને ઉત્પાદન કામગીરી બંધ કરવી પડે એવી શક્યતા છે. જેથી આ કંપનીઓ નાદારી નોંધાવે એવી પણ સંભાવના દર્શાવવામાં આવી હતી.

મે ડિલિવરી માટે US બેન્ચમાર્ક વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (WTI) ક્રૂડ પ્રાઇસ 300 ટકાથી વધુ તૂટી ગઈ હતી. મે કોન્ટ્રેક્ટ માટે ક્રૂડ પ્રાઇસ ઘટીને -40.32 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગઈ હતી. જોકે પછી એમાં સાધારણ સુધારો થઈને -37.63 ડોલર પ્રતિ બેરલે સેટલ થયો હતો.

નાઇમેક્સનું સૌથી નીચલો સ્તર

1983માં નાઇમેક્સ પર ઓઇલ ફ્યુચરનું ટ્રેડિંગ થયા પછી આ સૌથી નીચલો સ્તર છે. જોકે જૂન કોન્ટ્રેક્ટ માટે હાલ અમેરિકી ક્રૂડની પ્રતિ બેરલ કિંમત 22 ડોલર ચાલી રહી છે.

ઓઇલ ઉત્પાદક દેશો શું કરે છે?

પાચલા સપ્તાહે સાઉદી અરેબિયા, રશિયાએ સહિત વિશ્વના અનેક ઓઇલ ઉત્પાદક દેશોએ નિર્ણય કર્યો હતો કે તેઓ મે અને જૂનમાં પ્રતિ દિન ઓઇલ ઉત્પાદનમાં 97 લાખ બેરલનો કાપ મૂકશે, જેથી કિંમતોને ટેકો મળી રહે.