ઇટાલીની શાળાઓમાં બુરખા-નકાબ પર બેન

ઇટાલીમાં 2027 માં યોજાનારી આમ ચૂંટણીઓ પહેલા દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. દક્ષિણપંથી વિચારધારા ધરાવતા વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ શાળાઓમાં બુરખા અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાનો મોટો પ્રસ્તાવ રજૂ કર્યો છે. 20 September ના રોજ આપેલા પોતાના નિવેદનમાં મેલોનીએ સ્પષ્ટ કર્યું કે સરકાર વર્ગખંડોમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યાની પણ એક નિશ્ચિત મર્યાદા નક્કી કરવા જઈ રહી છે. આગામી ચૂંટણીઓ મેલોની માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

મેલોનીએ કેમ લીધો આ નિર્ણય?

વર્ષ 2008 ની કાનૂની વ્યવસ્થા અનુસાર ઇટાલીમાં ધાર્મિક કે સાંસ્કૃતિક કારણોસર ચહેરો ઢાંકવાની છૂટ હતી, પરંતુ ઓળખની ચકાસણી વખતે ચહેરો બતાવવો ફરજિયાત હતો. હવે મેલોની સરકારે સામાન્ય ચૂંટણીઓ પહેલાં જ બુરખાને મુખ્ય રાજકીય મુદ્દો બનાવી દીધો છે. માર્ચ 2026 માં જ્યુડિશિયલ રિફોર્મ્સ (ન્યાયિક સુધારા) પર યોજાયેલા રેફરન્ડમ (જનમત સંગ્રહ) માં મેલોની સરકારને હારનો સામનો કરવો પડ્યો હતો. આ આંચકા બાદ મેલોનીએ પોતાના કટ્ટર દક્ષિણપંથી મતદારોને ફરી એકજૂથ કરવા માટે કડક નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે, જેમાં બુરખા અને વિદેશી વિદ્યાર્થીઓનો મુદ્દો સૌથી અગ્રણી છે.

ચૂંટણીમાં મુસ્લિમ અને બહારના લોકોનો મુદ્દો

ઇટાલીમાં 2022 ની ચૂંટણીમાં લગભગ 26% મતદારો માટે ‘બહારના લોકો’ એટલે કે ઇમિગ્રન્ટ્સ સૌથી મોટો મુદ્દો હતા. ઇટાલીની કુલ વસતીમાં મુસ્લિમોનો હિસ્સો લગભગ 3% જેટલો છે. ‘અલ જઝીરા’ ના એક અહેવાલ મુજબ, ઇટાલીની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાંથી લગભગ 20% બાળકો ઇમિગ્રન્ટ પરિવારમાંથી આવે છે. મેલોની આ જ આંકડાઓ અને મુદ્દાઓને વટાવીને ચૂંટણીમાં નિર્ણાયક બહુમતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વિશ્વના 24 દેશોમાં બુરખા પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે વિશ્વના 24 દેશોમાં બુરખા કે ચહેરો ઢાંકવા પર પહેલાથી જ પ્રતિબંધ અમલી છે.

યુરોપ: સૌથી વધુ 10 દેશોમાં બુરખા પર પ્રતિબંધ છે, જેમાં ફ્રાન્સ, ઇટાલી, પોર્ટુગલ, સ્વિટ્ઝર્લેન્ડ, બેલ્જિયમ, બલ્ગેરિયા, નેધરલેન્ડ્સ અને ડેનમાર્કનો સમાવેશ થાય છે.

એશિયા: ચીન, શ્રીલંકા, કિરગિઝસ્તાન અને ઉઝબેકિસ્તાન સહિત 7 દેશોએ બુરખા પર પ્રતિબંધ મૂકેલો છે.

આફ્રિકા: આફ્રિકા ખંડના પણ 7 દેશોમાં બુરખા પર કાનૂની બેન છે.