રોમઃ એનડ્રેન્ઘેટા માફિયા નામક સંગઠન દ્વારા કથિતપણે કેફી દ્રવ્યોની દાણચોરીની ગેરપ્રવૃત્તિઓમાં સંડોવાયેલી એક ટોળકીનો પર્દાફાશ કરવાના ઉદ્દેશ્ય સાથે આખા યૂરોપ ખંડમાં સત્તાવાળાઓએ દરોડા પાડ્યા છે અને તેના સંબંધમાં ઈટાલી, બેલ્જિયમ અને જર્મનીમાં 25 જણની ધરપકડ પણ કરી છે.
ઈટાલીની પોલીસે આજે જણાવ્યું છે કે, એનડ્રેન્ઘેટા માફિયા સંગઠન ઈટાલીના કાલાબ્રિઆ પ્રાંતમાંથી એની નઠારી પ્રવૃત્તિઓ ચલાવે છે. જર્મનીમાં પણ તેનો મોટો અડ્ડો છે. તેણે કાલાબ્રિઆમાં મોકલવામાં આવેલા કોકેન, હેરોઈન અને હશીશ જેવી ડ્રગ્સનો મોટો જથ્થો આયાત કર્યો હતો. જે 25 જણની ધરપકડ કરવામાં આવી છે તેઓ ક્રિમિનલ ષડયંત્ર ઘડવા અને કેફી પદાર્થોની દાણચોરી સહિત અનેક ગુનાઓના આરોપી છે. તેમની 44 લાખથી વધારે ડોલરની કિંમતની સંપત્તિ કબજે કરવામાં આવી છે, જેમાં રિયલ એસ્ટેટ, જમીન અને બિઝનેસનો સમાવેશ થાય છે.






