કોવિડ-19ના ટેસ્ટિંગ મામલે અમેરિકા પછી ભારત બીજા ક્રમાંકેઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે કહ્યું હતું કે કોવિડ-19ના ટેસ્ટિંગની વાત આવે છે ત્યારે ભારત બીજા સ્થાને છે, અમેરિકા ટોચના ક્રમાંકે છે. તેમના જણાવ્યા અનુસાર ભારતમાં દોઢ અબજની વસતિ છે, જેમાંથી અત્યાર સુધી 1.10 કરોડ લોકોના કોવિડ-19ના ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે, જ્યારે અમેરિકાએ 65 લાખ લોકોના પરીક્ષણ કર્યાં છે. કોઈ પણ દેશ આ સંખ્યાની નજીક નથી. અત્યાર સુધી અમેરિકામાં કોવિડ-19 સૌથી વધુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ટેસ્ટિંગ કરવામાં આવ્યાં છે, એમ તેમણે કહ્યું હતું.

આ વર્ષના અંત સુધીમાં વેક્સિન તૈયાર

કોરોના વાઇરસની વેક્સિન વિશે વાત કરતાં ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ઘાતક વાઇરસ રોગચાળા માટેની વેક્સિન 2020ના અંત સુધીમાં તૈયાર કરી લેવામાં આવશે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણી પાસે આ વર્ષના અંત સુધીમાં એક વેક્સિન હશે અને એને આપણે બધા દેશોમાં પહોંચાડી શકીશું, એમ તેમણે કહ્યું હતું.
કોવિડ-19ના કેસોમાં 14 ટકાનો ઘટાડો

તેમણે એ પણ દાવો કર્યો હતો કે અમેરિકામાં પાછલા સાત દિવસોમાં કોવિડ-19ના કેસોમાં 14 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશભરમાં અમે પાછલા સાત દિવસોમાં ઉત્સાહજનક સંકેતો મળી રહ્યા છે, કેમ કે સાત દિવસથી કેસો સતત ઘટી રહ્યા છે. હોસ્પિટલોમાં કેસોમાં સાત ટકા ઘટાડો થયો છે. તેમણે એ પણ કહ્યું હતું કે મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. મૃત્યુદરમાં નવ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે 70 ટકા વિસ્તારોમાં કોવિડ-19ના કેસોમાં ઘટાડો થયો છે, જે પાછલા સોમવારે 36 ટકા હતો, એમ તેમણે કહ્યું હતું.

ચીનને ફરી આડે હાથ લીધું

અમેરિકી રાષ્ટ્રપતિએ ફરી એક વાર કહ્યું હતું કે અમેરિકાના લોકો ચીનથી પરેશાન છે. તેમણે કહ્યું હતું કે જો આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પુનઃ સત્તા પર આવશે તો ઇરાન સાથે અમેરિકા એક નવો સોદો કરશે. અમેરિકામાં 47 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે અને મૃતકોનો આંકડો પણ 1.5 લાખને પાર કરી ચૂક્યો છે.