ભારતવંશી કમલા હેરિસે 2020માં ટ્રમ્પને પડકાર આપવા રજૂ કરી ઉમેદવારી

વોશિગ્ટન- ભારતીય મૂળની પ્રથમ અમેરિકન સેનેટર કમલા હેરિસે વર્ષ 2020માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર આપવા ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી છે.

હેરિસે કહ્યું કે, આ સમયે પોતાની ઉમેદવારીની જાહેરાત કરીને હું ગર્વ અનુભવુ છું. જ્યારે અમેરિકાના લોકો માર્ટિન લૂથર કિંગ જુનિયરને યાદ કરી રહ્યાં છે, જેમણે મહાત્મા ગાંધી પાસેથી પ્રેરણા લીધી હતી.

પાર્ટીનો એક ઉભરતો સિતારો અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુખ્ય આલોચક 54 વર્ષની હેરિસ 2020ની ચૂંટણીમાં પાર્ટી તરફથી મેદાનમાં ઉતરવાની ઘોષણા કરનારી ચોથી ડેમોક્રેટ બની ગઈ છે.

હેરિસે વીડિયો સંદેશની સાથે સાથે ટ્વિટ કર્યું કે, હું રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડીશ. તેમની પ્રચાર ઝૂંબેશનો મુળ મંત્ર છે, કમલા હેરિસં: ફોર ધ પીપલ (લોકો માટે). જો કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી જશે તો તે અમેરિકાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હોવાની સાથે સાથે પ્રથમ અશ્વેત મહિલા રાષ્ટ્રપતિ પણ હશે.

ભારતીય મૂળની સેનેટર કમલા હેરિસની માતા તમિલનાડુમાં જન્મી હતી અને તેમના પિતા જમૈકાના આફ્રિકી-અમેરિકન છે. બંન્ને અમેરિકા અભ્યાસ અર્થે આવ્યાં હતાં અને ત્યાર બાદ અહીં જ સ્થાયી થયાં. તેમના માતા પિતાનો ત્યારબાદ તલાક થઈ ગયો. તેમની બહેન માયા હેરિસ વર્ષ 2016માં હિલેરી ક્લિન્ટનની પ્રચાર ઝૂંબેશનો ભાગ હતી.

એવી સંભાવના છે કે, આ વખતે ડેમોક્રેટિક ઉમેદવારી મેળવવા ઘણા નેતાઓ મેદાનમાં ઉતરશે અને તેમાંથી જે જીતશે તે પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરશે.