મેટાએ વૈશ્વિક સ્તરે 8000 કર્મચારીઓની છટણી શરૂ કરી

નવી દિલ્હીઃ મેટા પ્લેટફોર્મ્સ (Meta Platforms)એ વિશ્વભરમાં હજારો કર્મચારીઓને છટણી કરવાનું શરૂ કર્યું છે. આ પગલું કંપનીની રિ-સ્ટ્રક્ચરિંગ યોજનાનો ભાગ છે, જેના માધ્યમથી ખર્ચ ઘટાડવો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં રોકાણ વધારવાનો છે. કંપનીએ બુધવારે સવારે સૌથી પહેલા સિંગાપુરમાં કર્મચારીઓને માહિતી આપી હતી, જ્યાં સ્થાનિક સમય મુજબ સવારે ચાર વાગ્યે નોટિસ મોકલવામાં આવી હતી. ત્યાર બાદ યુરોપ અને અમેરિકાના કર્મચારીઓને પણ તેમના સ્થાનિક સમય મુજબ જાણ કરવામાં આવશે.

 કંપની 8000 પદો ખતમ કરશે

કર્મચારીઓને ઘરેથી કામ (Work From Home) કરવા માટે કહેવામાં આવ્યું છે, જ્યારે કંપની લગભગ 8000 પદો ખતમ કરી રહી છે. આ છટણીનો સૌથી વધુ અસર એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ ટીમો પર પડશે એવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યાનુસાર વર્ષના અંત સુધીમાં વધુ છટણી પણ થઈ શકે છે. સોમવારે કંપનીએ જણાવ્યું હતું કે લગભગ 7000 કર્મચારીઓને નવી ટીમોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જે AI પ્રોજેક્ટ્સ અને પ્રોડક્ટ્સ પર કામ કરશે. માર્ચના અંત સુધીમાં કંપનીમાં લગભગ 80,000 કર્મચારીઓ હતા, જે આ છટણી અને ફેરફારો પહેલાંની સંખ્યા છે. મેટાની હેડ ઓફ પીપલ જેનેલ ગેલે એક મેમોમાં જણાવ્યું હતું કે કંપની હવે નાના અને ફ્લેટ સ્ટ્રક્ચરમાં કામ કરવા માગે છે, જેથી ટીમો વધુ ઝડપથી કામ કરી શકે અને વધુ જવાબદારી સંભાળી શકે.

 AI કંપનીની સૌથી મોટી પ્રાથમિકતા

કંપનીના CEO માર્ક ઝુબરબર્ગે AIને સૌથી મોટી પ્રાથમિકતા બનાવી છે અને આ ક્ષેત્રમાં સ્પર્ધા કરવા માટે ભારે મૂડીરોકાણ કર્યું છે. કંપની આ વર્ષે AI પર 100 બિલિયન ડોલરથી વધુ ખર્ચ કરવાની યોજના બનાવી રહી છે. રોકાણકારોને પણ કંપનીના AI ખર્ચ અંગે ચિંતા છે. વિશ્લેષકોને મતે આ છટણીથી લગભગ ત્રણ બિલિયન ડોલરની બચત થઈ શકે છે, જે કુલ ખર્ચની સરખામણીએ નાનો હિસ્સો છે. કંપનીનો કુલ મૂડી ખર્ચ આ વર્ષે 145 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે અને આવનારાં વર્ષોમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ થવાની શક્યતા છે.