NHRCએ હિન્દુઓ પરના હુમલામાં તપાસની માગ કરી

ઢાકાઃ બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાની નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC)એ નિંદા કરતાં કહ્યું હતું કે સેક્યુલર દેશમાં કોઈ પણ પરિસ્થિતિમાં સાંપ્રદાયિક તોફાનો સ્વીકાર્ય નથી. પંચે ગૃહ મંત્રાલયને તપાસ કરવાના નિર્દેશ આપતાં કહ્યું હતું કે આ હુમલાને અટકાવવામાં ચૂક ક્યાં થઈ છે અને શું પોલીસે સ્થિતિને નિયંત્રિત કરવા માટે યોગ્ય ભૂમિકા ભજવી છે?

ઢાકાના ટ્રિબ્યુનના જણાવ્યાનુસાર પંચે કહ્યું હતું કે બંગલાદેશ દેવી ધર્મનિરપેક્ષ દેશમાં સાંપ્રદાયિક હિંસા કોઈ પણ પરિસ્થિતિમાં સ્વીકાર્ય નથી. ફેસબુકમાં ઇસ્લામને બદનામ કરવાની અફવા પછી અલ્પસંખ્યક હિન્દુઓ પરના હુમલા થયા હતા, એમ હ્યુમન રાઇટ્સની સંસ્થાએ કહ્યું હતું.

અહેવાલો મુજબ શુક્રવારે લોહાગરા, નરેલના સહપારા વિસ્તારમાં હિન્દુ અલ્પસંખ્યકોનાં ઘરોમાં આગ લગાવવામાં આવી હતી. જુમ્માની નમાજ પછી ભીડે એમ કહીને હંગામો કર્યો હતો કે પડોશીના એક 18 વર્ષીય વ્યક્તિએ ફેસબુક પર તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી.

સ્થાનિક લોકોએ આરોપ લગાડ્યો હતો કે આ પોસ્ટ ગામના 18 વર્ષના કોલેજના વિદ્યાર્થી આકાશ સાહાએ મૂકી હતી. હિંસાનો ભોગ બનેલા લોકોમાંથી એક દીપાલી રાની સાહાએ બર્બરતાની ઘટનાઓને શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે એક જૂથે તેનો બધો કીમતી સામાન લૂંટી લીધો હતો. એ પછી બીજું જૂથ આવ્યું, પણ લૂંટવા માટે કંઈ નહોતું બચ્યું, જેથી તેણે ઘરમાં આગ લગાડી દીધી હતી. તેણે જણાવ્યું હતું કે હવે અમને ન્યાય કોણ આપશે? અમને સુરક્ષા કોણ આપશે?  હજી સુધી પોલીસે એક પણ વ્યક્તિની ધરપકડ નથી કરી.