નોર્થ કોરિયાના તાનાશાહનો ‘યૂ-ટર્ન’, US અને દક્ષિણ કોરિયા સાથે ચર્ચા કરવા તૈયાર

પ્યોંગયાંગ- ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પોતાના આક્રમક વલણમાં નરમાઈના સંકેત આપ્યા છે. કિમ જોંગે જણાવ્યું છે કે, તે અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે ચર્ચા કરવા તૈયાર છે. ઉપરાંત પોતાનો પરમાણુ કાર્યક્રમ પણ છોડી શકે છે. નોર્થ કોરિયાએ તેના પાડોશી દેશ દક્ષિણ કોરિયા સાથે સંબંધો સુધારવા આગામી મહિને ચર્ચા કરવા માટે સહમતિ વ્યક્ત કરી છે.કોરિયાઈ ટાપુના બન્ને પાડોશી દેશ વચ્ચે થયેલી વાતચીત બાદ દક્ષિણ કોરિયાએ જણાવ્યું કે, જો સુરક્ષાની ખાતરી આપવામાં આવે તો નોર્થ કોરિયાએ પોતાનો પરમાણું કાર્યક્રમ પણ પડતો મુકવા તૈયારી દર્શાવી છે. નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ મૂન જે ઈનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે મુલાકાત કરી હતી.

આ દરમિયાન કિમ જોંગે જણાવ્યું કે, જો નોર્થ કોરિયાને આપવામાં આવતી સૈન્ય કાર્યવાહીની ધમકીઓ બંધ કરવામાં આવે અને તેના દેશને સુરક્ષા અંગે ખાતરી આપવામાં આવે તો, નોર્થ કોરિયા પોતાની પાસે પરમાણુ હથિયાર રાખશે નહીં. વધુમાં પોતાના પુરમાણુ કાર્યક્રમ ઉપર પણ નોર્થ કોરિયા રોક લગાવશે તેમ દક્ષિણ કોરિયાએ જણાવ્યું હતું. દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ મૂન જે ઈનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે જણાવ્યું કે, દક્ષિણ કોરિયા અને અમેરિકા સાથે સંબંધો સુધારવા અને અમેરિકન પ્રશાસન સાથે ચર્ચા કરવા પણ કિમ જોંગે તૈયારી દર્શાવી છે.