સિંધ પ્રાંતમાં બે હિન્દુ છોકરીનું અપહરણ; પાકિસ્તાન પીએમ ઈમરાને ખાને તપાસનો આદેશ આપ્યો

ઈસ્લામાબાદ – પાકિસ્તાનના સિંધ પ્રાંતના ગામમાં સગીર વયની બે હિન્દુ છોકરી – રીના અને રવીનાનાં કથિત અપહરણ અને એમનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાયું હોવાના અહેવાલોમાં તપાસ કરવાનો પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને આદેશ આપ્યો છે.

આ જાણકારી પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ આપી છે.

બંને બહેનોનું ગત્ હોળી તહેવાર પૂર્વેના દિવસે સિંધ પ્રાંતના ઘોટકી જિલ્લાના ધાડકી ગામમાં એમનાં ઘરમાં ઘૂસીને પુરુષોનું એક ગ્રુપ અપહરણ કરી ગયું હતું. આમાંની એક છોકરી 13 વર્ષની છે અને બીજી 15 વર્ષની છે. એમનાં અપહરણ બાદ તરત જ એક વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો જેમાં એક મૌલવી બંને છોકરીનાં નિકાહ (લગ્ન) કરાવતાં નજરે પડ્યા છે.

એક અન્ય વિડિયોમાં, છોકરીઓ એવું કહેતી દેખાય છે કે એમણે સ્વેચ્છાએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો છે.

માહિતી પ્રધાન ચૌધરીએ આજે ટ્વિટર પર ઉર્દૂમાં પોસ્ટ કરેલા એક ટ્વીટમાં જણાવ્યું છે કે આ કેસની બંને છોકરીને પંજાબના રહીમ યાર ખાન ખાતે લઈ જવામાં આવી હોવાના અહેવાલોમાં તપાસ કરવાનો વડા પ્રધાન (ઈમરાન ખાને) આદેશ આપ્યો છે.

ચૌધરીએ એમ પણ કહ્યું છે કે આ બનાવના સંદર્ભમાં, સિંધ અને પંજાબ પ્રાંતની સરકારો કોઈક સંયુક્ત પગલાં યોજના ઘડી કાઢી તેમજ આ પ્રકારના બનાવો ફરી ન બને એની તકેદારી રાખે.

ચૌધરીએ કહ્યું છે કે પાકિસ્તાનના ધ્વજમાં જે સફેદ રંગ છે તે લઘુમતીઓને દર્શાવે છે. આપણા ધ્વજનાં તમામ રંગો આપણા માટે કિંમતી છે. આપણા ધ્વજનું રક્ષણ કરવું આપણી ફરજ છે.

બંને છોકરીઓનાં અપહરણ બાદ પાકિસ્તાનમાં વસતા હિન્દુઓએ વ્યાપક દેખાવો કર્યા છે અને ગુનેગારો સામે કડક પગલું ભરવું જોઈએ એમ કહ્યું છે. હિન્દુઓએ ઈમરાન ખાનને એમણે આપેલા વચનની અપાવી છે જેમાં તેમણે એમ કહેલું કે પાકિસ્તાનમાં લઘુમતી કોમોનું રક્ષણ કરાશે.

સુષમા સ્વરાજે છોકરીઓનાં અપહરણ વિશે પાકિસ્તાન સ્થિત ભારતીય રાજદૂત પાસેથી અહેવાલ માગ્યો

દરમિયાન, નવી દિલ્હીમાં, વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે બે હિન્દુ છોકરીઓનાં કથિત અપહરણ અને બળજબરીથી ધર્મપરિવર્તન કરવાના બનાવ અંગે ઈસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈ કમિશનર પાસેથી અહેવાલ માગ્યો છે.
અખબારી અહેવાલોને ટેક કરીને સ્વરાજે ટ્વીટ કર્યું છે કે, મેં પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનરને કહ્યું છે કે તે આ વિશે અહેવાલ મોકલે.

પાકિસ્તાનમાં સત્તાવાળાઓએ આ બનાવની અવગણના કરી હતી, પણ માનવ અધિકારો માટે લડત ચલાવતા જૂથો તથા હિન્દુ સમાજનાં લોકોએ દેખાવો કર્યા બાદ સરકારને આ મામલે તપાસ કરવાની ફરજ પડી છે.

બંને છોકરીઓનાં પિતાને રસ્તા પર બેસીને ચોધાર આંસુએ રડતા બતાવતો એક વિડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થયો છે.

httpss://twitter.com/fawadchaudhry/status/1109471630324056064

httpss://twitter.com/MJibranNasir/status/1109190194249560065