ઓસ્ટ્રેલિયામાં શિવ-વિષ્ણુ મંદિરનો કરાશે કાયાકલ્પ, ઓસ્ટ્રેલિયન સરકારે આપ્યા રુપિયા 1 કરોડ

સિડની- ભારતની બહાર આવેલા હિન્દૂ મંદિરો માટે ‘અચ્છે દિન’ આવ્યાં છે. ગત રોજ વડાપ્રધાન મોદીએ મુસ્લિમ દેશ અબૂધાબીમાં હિન્દૂ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. અને હવે ઓસ્ટ્રેલિયા સ્થિત મંદિરના જિર્ણોદ્ધાર માટે સ્થાનિક સરકારે આર્થિક મદદની જાહેરાત કરી છે.ઓસ્ટ્રેલિયામાં રહેતા હિન્દૂ ધર્મના લોકો અને તેમની ધાર્મિક લાગણીને માન આપીને સ્થાનિક વિક્ટોરિયા સરકારે અહીંના પ્રાચીન શિવ-વિષ્ણુ મંદિરના જિર્ણોદ્ધાર કરવા માટે 1 લાખ 60 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે 1 કરોડ રુપિયા) આપવાની જાહેરાત કરી છે. અહીંના કલ્ચર એન્ડ હેરિટેજ સેન્ટરને શિવ-વિષ્ણુ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને વર્ષ 1994માં મંદિર તરીકે માન્યતા આપવામાં આવી હતી. આ મંદિરને પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલું સૌથી મોટું હિન્દૂ મંદિર પણ માનવામાં આવે છે.

વિક્ટોરિયા સરકારના બહુસંસ્કૃતિ મામલાના પ્રધાન રોબિન સ્કોટે મંદિરની મુલાકાત લઈ જણાવ્યું હતું કે, સ્થાનિક સરકાર હિન્દૂ સોસાયટી ઓફ વિક્ટોરિયાને મંદિરના જિર્ણોદ્ધાર માટે  1 લાખ 60 હજાર ડોલરનું (આશરે 1 કરોડ રુપિયા)  દાન કલ્ચર એન્ડ હેરિટેજ સેન્ટરને આપશે. રોબિન સ્કોટે જણાવ્યું કે, રાજ્ય સરકાર સમાજના દરેક વર્ગને પ્રોત્સાહન આપવા ઉત્સુક છે. જ્યાં વિક્ટોરિયાનો દરેક નાગરિક પોતાના વારસાની મર્યાદામાં રહીને તેની સંસ્કૃતિનું રક્ષણ કરી શકે અને લોકો સાથે તેનું આદાનપ્રદાન પણ કરી શકે.

આપને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયામાં હિન્દૂ ધર્મ ઘણો લોકપ્રિય થઈ રહ્યો છે. વિતેલા એક દાયકા દરમિયાન દક્ષિણ એશિયામાંથી આવેલા લોકોને કારણે હિન્દૂ ધર્મ ઘણો ફેલાઈ રહ્યો છે. વર્ષ 2016ની જનગણના મુજબ ઓસ્ટ્રેલિયામાં 4 લાખ 40 હજાર હિન્દૂઓ વસવાટ કરે છે, જે વર્ષ 2006ની હિન્દૂ જનસંખ્યા કરતાં 1.9 ટકા વધારે છે.