ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ કર્યા જાહેર

વોશિંગ્ટનઃ અમેરિકાએ તાજેતરમાં વેનેઝુએલા પર સૈન્ય કાર્યવાહી કરી હતી અને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરોની ધરપકડ કરી હતી. હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના કાર્યકારી (એક્ટિંગ) રાષ્ટ્રપતિ તરીકે જાહેર કર્યા છે. તેમણે પોતાના ટ્રૂથ સોશિયલ મિડિયા અકાઉન્ટ પર આ બાબત સાથે જોડાયેલી એક તસવીર પણ શેર કરી છે.

સોશિયલ મિડિયા પર શેર કરાયેલી પોસ્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ પોતાને ‘Acting President of Venezuela’ તરીકે દર્શાવ્યા છે. પોસ્ટમાં એક એડિટ કરાયેલા વિકિપિડિયા પેજ દેખાય છે, જેમાં ટ્રમ્પને જાન્યુઆરી, 2026થી વેનેઝુએલાના વર્તમાન રાષ્ટ્રપતિ તરીકે બતાવવામાં આવ્યા છે. આ તસવીરમાં ટ્રમ્પને અમેરિકાના 45મા અને 47મા રાષ્ટ્રપતિ તરીકે પણ દર્શાવવામાં આવ્યા છે, જેમણે 20 જાન્યુઆરી, 2025એ રોજ પદભાર સંભાળ્યો હતો.

રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરોની ધરપકડ

આ મહિનાની શરૂઆતમાં અમેરિકાએ વેનેઝુએલા પર મોટો હુમલો કર્યો હતો અને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરોની ધરપકડ કરી હતી. માદુરો અને તેમનાં પત્ની સિલિયા ફ્લોરેસને ન્યુ યોર્ક લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં તેમના પર નશીલા પદાર્થોની તસ્કરીના ષડયંત્રના આરોપમાં કેસ ચાલી રહ્યો છે.

ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ત્યાં સુધી વેનેઝુએલાનું સંચાલન કરશે, જ્યાં સુધી સુરક્ષિત, યોગ્ય અને સમજદાર સત્તા હસ્તાંતરણ ન થાય. તેમણે કહ્યું હતું કે અમે એ જોખમ લઈ શકતા નથી કે કોઈ એવી વ્યક્તિ વેનેઝુએલાની બાગડોર સંભાળે, જેના મનમાં વેનેઝુએલાના લોકોના હિત ન હોય.

એ દરમિયાન વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરી છે.

ઈરાન અંગે ટ્રમ્પનું મોટું નિવેદન

ઈરાનમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો ખુલાસો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાને વોશિંગ્ટન સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને બેઠકની તૈયારી પણ થઈ રહી છે. તેમણે ચેતવણી આપી હતી કે પ્રદર્શનકારીઓ પર થતા અત્યાચારને કારણે અમેરિકા આ બેઠક પહેલા જ સૈન્ય કાર્યવાહી કરવા માટે મજબૂર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધી 500થી વધુ લોકોનાં મોત થયાં છે.