વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે કે વેનેઝુએલાની સરકારે પોતાના તેલ ભંડારમાંથી અમેરિકા માટે 30થી 50 મિલિયન બેરલ તેલ આપવા પર સંમતિ આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ દાવો વેનેઝુએલાની વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝના શપથ ગ્રહણના એક દિવસ બાદ કર્યો છે.
ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે મને આ જાહેરાત કરતા આનંદ થાય છે કે વેનેઝુએલામાંની વચગાળાની સત્તા અમેરિકાને 30થી 50 મિલિયન બેરલ ઉચ્ચ ગુણવત્તાનું તેલ સોંપશે.
કમાણી પર ટ્રમ્પનું નિયંત્રણ
તેમણે કહ્યું હતું કે આ તેલ બજાર ભાવ પર વેચવામાં આવશે અને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે આ રકમનું નિયંત્રણ મારા હાથમાં રહેશે, જેથી ખાતરી કરી શકાય કે તેનો ઉપયોગ વેનેઝુએલા અને અમેરિકા બંને દેશોના લોકોના હિત માટે થાય. તેમણે વધુમાં જણાવ્યું હતું મેં ઊર્જા સચિવ ક્રિસ રાઇટને આ યોજના તાત્કાલિક અમલમાં મૂકવા માટે આદેશ આપ્યો છે. તેલને સ્ટોરેજ જહાજો દ્વારા લાવવામાં આવશે અને સીધું અમેરિકાના અનલોડિંગ ડોક પર ઉતારવામાં આવશે.
ખાડી વિસ્તારમાં રિફાઇન થશે તેલ
નામ જાહેર ન કરવાની શરતે વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેલનું ઉત્પાદન થઈ ચૂક્યું છે અને તેને બેરલોમાં ભરી દેવામાં આવ્યું છે. તેનો મોટો ભાગ હાલમાં જહાજોમાં છે અને હવે તેને રિફાઇન કરવા માટે ખાડી વિસ્તારમાં આવેલી અમેરિકી સુવિધાઓમાં મોકલવામાં આવશે.ગયા મહિને અમેરિકા દરરોજ 20 મિલિયન બેરલથી વધુ તેલનો વપરાશ કરતું હતું.
અમેરિકામાં તેલની કિંમતોમાં ઘટાડાની શક્યતા
આટલી મોટી માત્રામાં તેલ આવતા તેલની કિંમતોમાં થોડી ઘટી શકે છે, પરંતુ તેનાથી અમેરિકામાં પેટ્રોલની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના ઓછી છે.


