WHOએ કોવેક્સિનને વૈશ્વિક-મંજૂરી હજી અટકાવી રાખી છે

જિનેવાઃ ભારતમાં સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત કોવેક્સિન કોરોના-પ્રતિરોધક રસીનો દુનિયાભરમાં ઈમરજન્સી ઉપયોગ કરવા દેવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ હજી પરવાનગી આપી નથી અને હૈદરાબાદસ્થિત ઉત્પાદક ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેક પાસેથી આ રસી વિશે વધારે સ્પષ્ટીકરણ માગ્યું છે. WHOની પરવાનગી વિના બે-ડોઝવાળી કોવેક્સિન રસીને વૈશ્વિક સ્તરે કાયદેસર રસી તરીકેની માન્યતા મળી શકે એમ નથી.

કોવેક્સિનને વિશ્વ સંસ્થાની મંજૂરી ન મળવાને કારણે એવા લાખો ભારતીયો વિદેશમાં પ્રવાસે જઈ શકતા નથી, જેમણે આ રસીના બંને ડોઝ લઈ લીધા છે. ભારત બાયોટેકે કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે છેક 19 એપ્રિલે WHO પાસેથી મંજૂરી માગી હતી, પણ વૈશ્વિક સંસ્થાએ કહ્યું છે કે મંજૂરી આપતા પહેલાં એને કંપની પાસેથી હજી વધારે માહિતી-સ્પષ્ટીકરણની જરૂર છે. WHOની ટેક્નિકલ સલાહકાર ટીમના સભ્યોની બેઠક હવે 3 નવેમ્બરે બોલાવવામાં આવી છે.