વિશ્વભરમાં વેક્સિન બનાવવાનું કામ પૂરજોશમાં

નવી દિલ્હીઃ આખા વિશ્વમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણના રોજ કેટલાય નવા કેસો વિશ્વભરમાંથી સામે આવી રહ્યા છે. તમામ દેશો કોરોના વાયરસની વેક્સિન શોધવાના કામમાં લાગ્યા છે. આના માટે કેટલાય પ્રયોગ અને શોધ કરવામાં આવી રહ્યા છે. WHO ના જણાવ્યા અનુસાર આ મહામારીના ઈલાજ માટે દુનિયાભરમાં 70 વેક્સિનો બનાવવાનું કામ ચાલી રહ્યું છે કે જેમાં ત્રણ લોકો પર ટેસ્ટિંગ કરવામાં આવી ચૂક્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર આ પ્રક્રિયામાં સૌથી આગળ હોંગકોંગની કૈનસિગો બાયોલોજિક્સ છે કે જે કોરોના વાયરસની રસીની શોધમાં છે. તો બીજા નંબર પર બીજિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ બાયોટેક્નોલોજી છે. આ લિસ્ટમાં અમેરિકાની ઈનોવિઓ ફાર્માસ્યૂટિકલનો પણ સમાવેશ થાય છે કે જેમાં અત્યારે હ્યૂમન ટ્રાયલ ચાલી રહ્યું છે.

કોરોના વાયરસની રસી બનાવવામાં આ તમામ કંપનીઓ લાગી ગઈ છે. તેમનું માનવું છે કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે માત્ર લોકડાઉન જ પૂરતું નથી. ડ્રગ ઈન્ડસ્ટ્રી જલ્દીથી જલ્દી દવા બનાવવાનું કામ કરી રહી છે કે જેથી 1 વર્ષની અંદર કોરોના વાયરસની દવા માર્કેટમાં ઉતારી શકાય.

મોટા અને નાના ડ્રગમેકર કોરોના વાયરસને લઈને વેક્સિન વિકસિત કરવાના પ્રયત્નોમાં જોડાઈ ગયા છે, કારણ કે કોરોના વાયરસને રોકવા માટે આ જ સૌથી પ્રભાવશાળી રીત હશે. WHO અનુસાર ફાઈજર ઈન્ક અને સનોફી જેવા ફાર્માસ્યુટિકલ દિગ્ગજો પાસે પ્રીક્લિનિકલ ચરણો માટે વેક્સિન ઉમેદવાર ઉપસ્થિત છે.