આજે IPL 2026 ની પ્લેઓફની છેલ્લી ટિકિટ માટે 3 ટીમો વચ્ચે ત્રિપાંખીયો જંગ

ક્રિકેટ રસિકો માટે આજનો રવિવાર અત્યંત રોમાંચક અને હૃદયના ધબકારા વધારી દેનારો સાબિત થવાનો છે. આઈપીએલ 2026 ના લીગ સ્ટેજનો આ છેલ્લો ડબલ હેડર મુકાબલો છે, જેની સાથે જ પ્લેઓફમાં પહોંચનારી ચોથી અને અંતિમ ભાગ્યશાળી ટીમનું નામ નક્કી થઈ જશે. ટૂર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), ગુજરાત ટાઇટન્સ (GT) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) જેવી ધુરંધર ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ટોપ-4 માં પોતાનું સ્થાન અગાઉથી જ સુરક્ષિત કરી લીધું છે. હવે રેસમાં બચેલી એકમાત્ર ખાલી જગ્યા માટે રાજસ્થાન રોયલ્સ (RR), પંજાબ કિંગ્સ (PBKS) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે કરો યા મરો જેવી સ્થિતિ સર્જાઈ છે.

દિવસના પ્રથમ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સની ટક્કર રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થશે. જ્યારે સાંજની બીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ હોમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે મેદાનમાં ઉતરશે. જો કે, દિલ્હી અને મુંબઈની ટીમો સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે, પરંતુ આ બંને ટીમો આજના મેચોમાં વિજય મેળવીને અન્ય ટીમોના પ્લેઓફના સપનાઓ ચોક્કસપણે રોળી શકે છે.

રાજસ્થાન રોયલ્સ પાસે પ્લેઓફમાં જવાની સૌથી સુવર્ણ તક

રાજસ્થાન રોયલ્સની ટીમ હાલમાં લીગ ટેબલમાં 13 મેચો રમીને 14 પોઈન્ટ્સ સાથે પાંચમા સ્થાન પર છે. સંજુ સેમસનની ટીમ માટે પ્લેઓફના સમીકરણો એકદમ સરળ અને સ્પષ્ટ છે. જો રાજસ્થાન આજે મુંબઈ ઇન્ડિયન્સને હરાવી દેશે, તો તે સીધા 16 પોઈન્ટ્સ સાથે પ્લેઓફમાં એન્ટ્રી કરી લેશે અને તેની સાથે જ પંજાબ અને કોલકાતા જેવી બાકીની તમામ ટીમો આપોઆપ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જશે. પરંતુ, જો રાજસ્થાન આ મેચ હારી જાય છે અથવા વરસાદના કારણે મેચ રદ થાય છે, તો રન રેટના આધારે રાજસ્થાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

આ મહત્વની મેચમાં સ્ટાર બેટર રિયાન પરાગ રમશે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે. જો તે ફિટ નહીં થાય, તો યુવા કેપ્ટન અને ઓપનર યશસ્વી જયસ્વાલ પર ટીમની નૈયા પાર લગાવવાની મોટી જવાબદારી રહેશે. ટીમને આ સિવાય વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ અને ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શનની આશા રહેશે.

હેડ-ટુ-હેડ રેકોર્ડ

મુંબઈ અને રાજસ્થાન વચ્ચે આઈપીએલ ઈતિહાસમાં અત્યાર સુધીમાં કુલ 31 મેચ રમાઈ છે, જેમાંથી મુંબઈએ 16 અને રાજસ્થાને 15 મેચમાં જીત મેળવી છે. વાનખેડે સ્ટેડિયમની વાત કરીએ તો મુંબઈ 5-4 થી આગળ છે, પરંતુ વર્ષ 2023 પછી રમાયેલી છેલ્લી 7 મેચોમાંથી રાજસ્થાને 4 મેચો પોતાના નામે કરી છે.

પંજાબ કિંગ્સનું નસીબ હવે અન્ય ટીમોના હાથમાં

બીજી તરફ પંજાબ કિંગ્સની ટીમ પોતાની તમામ 14 લીગ મેચો રમી ચૂકી છે અને હાલમાં 15 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાન પર મજબૂતીથી ટકેલી છે. પંજાબનો પ્રવાસ પૂરો થઈ ગયો હોવાથી હવે તેનું ભવિષ્ય રવિવારના આ બંને મેચોના પરિણામ પર નિર્ભર કરે છે.

પંજાબ કિંગ્સ માત્ર ને માત્ર ત્યારે જ પ્લેઓફની ચોથી ટીમ બનશે જો આ બે શરતો પૂરી થાય:

પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ રાજસ્થાન રોયલ્સને હરાવી દે.

બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સને પરાજય આપે.

જો આ બંને પરિણામો પંજાબની ફેવરમાં આવશે તો પ્રીતિ ઝિન્ટાની ટીમ સત્તાવાર રીતે પ્લેઓફમાં સ્થાન મેળવી લેશે.

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે હિમાલય જેવડો મોટો પડકાર

કોલકાતા નાઇટ રાઇડર્સ હાલમાં 13 મેચમાં 13 પોઈન્ટ્સ ધરાવે છે. KKR ને ચોથા સ્થાને પહોંચવા માટે માત્ર દિલ્હી સામે જીતવું પૂરતું નથી, પરંતુ નેટ રન રેટ (NRR) સારો કરવા માટે બહુ મોટા માર્જિનથી જીત મેળવવી પડશે.

જો પ્રથમ મેચમાં મુંબઈ રાજસ્થાનને હરાવી દે છે, તો કોલકાતાએ પ્લેઓફમાં જવા માટે (પહેલી ઇનિંગ્સમાં 200 રનના સ્કોરના અંદાજ મુજબ) નીચેના ગણિત પ્રમાણે રમવું પડશે:

દિલ્હી કેપિટલ્સને મેચમાં ઓછામાં ઓછા 77 રનના મોટા અંતરથી હરાવવું પડશે.

અથવા, જો KKR ટાર્ગેટ ચેઝ (લક્ષ્યનો પીછો) કરી રહ્યું હોય તો તેમણે માત્ર 12.1 ઓવરમાં જ મેચ જીતવી પડશે.

જો સ્કોર સરખો થયા બાદ કોઈ બેટર સિક્સર મારીને મેચ જીતાડે તો મહત્તમ 12.4 ઓવર સુધીમાં મેચ ખતમ કરવી પડશે.

જો કોલકાતા આ અશક્ય લાગતા મોટા માર્જિનથી જીત મેળવવામાં અસમર્થ રહેશે, તો જીતવા છતાં પણ પંજાબ કિંગ્સ 15 પોઈન્ટ્સ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી જશે. આ સંજોગો જોતા ઇડન ગાર્ડન્સમાં રમાનારો આજનો મુકાબલો ક્રિકેટ ઇતિહાસનો સૌથી રોમાંચક મેચ સાબિત થઈ શકે છે.