IPL 2027 પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બેટર ટ્રેવિસ હેડ આગામી IPL સિઝનમાં રમશે નહીં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત શેડ્યૂલને ધ્યાનમાં રાખીને વર્કલોડ ઘટાડવા માટે હેડે પોતે જ IPL ન રમવાનો નિર્ણય લીધો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત શેડ્યૂલને કારણે નિર્ણય
ટ્રેવિસ હેડ છેલ્લા કેટલાક સમયથી સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ઓપનિંગ કરી રહ્યો હતો. અભિષેક શર્મા સાથે તેની ઓપનિંગ જોડી પણ ટીમ માટે મહત્ત્વપૂર્ણ રહી છે. જોકે, હવે આગામી સિઝનમાં આ જોડી મેદાન પર જોવા નહીં મળે.
ESPNcricinfoના અહેવાલ અનુસાર, આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમને કારણે હેડ પોતાનો વર્કલોડ ઘટાડવા માગે છે. IPL 2027 માટે ખેલાડીઓની રિટેન્શન યાદી જાહેર કરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર છે. આ પહેલાં જ હેડના IPL ન રમવાના સમાચાર સામે આવ્યા છે. તેઓ ડિસેમ્બરમાં યોજાનારી હરાજીમાં પણ ભાગ નહીં લે તેવી શક્યતા છે.
14 કરોડ રૂપિયાની બચત થશેIPL
સનરાઇઝર્સ હૈદરાબાદે ટ્રેવિસ હેડને અગાઉ 14 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. જો તેઓ આગામી સિઝનમાંથી બહાર રહે છે, તો આ રકમ ટીમના પર્સમાં પરત આવશે. આથી ટીમને અન્ય કોઈ મોટા ઓપનિંગ બેટર પર દાવ લગાવવાની તક મળી શકે છે. જોકે, હેડની ગેરહાજરી ટીમ માટે મોટો પડકાર બની શકે છે.
આવું રહેશે ઓસ્ટ્રેલિયાની ટીમનું આગામી વર્ષનું શેડ્યૂલ
આગામી વર્ષે ઓસ્ટ્રેલિયાની ટીમનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું શેડ્યૂલ ઘણું વ્યસ્ત રહેવાનું છે.
– ભારત પ્રવાસ: IPL પહેલાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે.
– IPL 2027: ટુર્નામેન્ટ માર્ચના અંતથી મે મહિના સુધી યોજાવાની છે.
– WTC ફાઇનલ: જૂન મહિનામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે.
– એશિઝ શ્રેણી: જૂનથી ઓગસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ સામે એશિઝ શ્રેણી રમશે.
– વનડે વર્લ્ડ કપ: વર્ષના અંતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં 2027નો વનડે વર્લ્ડ કપ યોજાશે.
આ વ્યસ્ત કાર્યક્રમને કારણે ટ્રેવિસ હેડે IPLથી દૂર રહેવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.






