મિડલ ઈસ્ટના અગ્રણી દેશ ઈરાનમાંથી ત્યાંના સામાન્ય નાગરિકો માટે એક ખુબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાય મહિનાઓથી દુનિયાથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ ગયેલા ઈરાનમાં આખરે ડિજિટલ બ્લેકઆઉટનો અંત આવ્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેતા દેશભરમાં આંતરરાષ્ટ્રીય ઈન્ટરનેટ સેવાઓ ફરીથી બહાલ કરવાનો આદેશ આપ્યો છે. આ સરકારી નિર્ણય બાદ ઈરાનના કરોડો નાગરિકોએ હાશકારો અનુભવ્યો છે, કારણ કે તેઓ લાંબા સમયથી બાકીની દુનિયાથી વૈશ્વિક સ્તરે ડિસ્કનેક્ટ થઈ ગયા હતા. ઈરાનના સંચાર મંત્રાલય અને સત્તાવાર સરકારી મીડિયા પ્લેટફોર્મ્સે આ અહેવાલને પુષ્ટિ આપતા જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ પેઝેશકિયાને ઈન્ટરનેટ પરથી પ્રતિબંધ હટાવવા માટેની ઓફિશિયલ મંજૂરી આપી દીધી છે. સાયબર સ્પેસ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા ઉચ્ચ સ્તરીય અધિકારીઓની એક ખાસ બેઠક યોજાયા બાદ જ આ મહત્વપૂર્ણ નિર્ણય પર આખરી મહોર મારવામાં આવી હતી.

જાન્યુઆરી 2026 માં લાગ્યો હતો કડક સેન્સરશિપનો કોરડો
નોંધનીય છે કે, ચાલુ વર્ષે જાન્યુઆરી 2026 માં ઈરાનભરમાં સરકાર વિરોધી ઉગ્ર પ્રદર્શનો શરૂ થયા હતા. આ આંદોલનોને ડામવા અને આંતરિક સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવાના બહાના હેઠળ ઈરાન સરકારે ઈન્ટરનેટ સેવાઓ પર કડક કાપ મૂકી દીધો હતો. આ પ્રતિબંધ એટલો કઠોર હતો કે સામાન્ય જનતા માટે ગ્લોબલ ઈન્ટરનેટની એક્સેસ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ હતી. દેશના મોટાભાગના વિસ્તારોમાં માત્ર સરકારી ઇન્ટ્રાનેટ અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત મર્યાદિત વેબસાઇટ્સ જ ઓપરેટ થઈ રહી હતી.




