અમેરિકા સાથેના તણાવ વચ્ચે ઈરાને પરમાણુ હુમલાથી બચવાની ગાઈડલાઈન જારી કરી

અમેરિકા: વધતા જતા તણાવ અને સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ઈરાન દ્વારા તેના નાગરિકો માટે પરમાણુ હુમલા સામે બચવા માટેનો એક વિસ્તૃત વિડીયો ગાઈડ અને એડવાઈઝરી જારી કરવામાં આવી છે. ઈરાનની પેસિવ ડિફેન્સ વીક અંતર્ગત જાહેર કરાયેલી આ માર્ગદર્શિકામાં પરમાણુ વિસ્ફોટના જોખમો અને રેડિયોએક્ટિવ ફોલઆઉટ (રેડિયેશન કણો)થી કેવું રક્ષણ મેળવવું તેની વિગતો આપવામાં આવી છે.

ઈરાનની રેડ ક્રેસન્ટ સોસાયટી અને સત્તાવાર સૂત્રો દ્વારા જારી કરાયેલા આ નિર્દેશો મુજબ, પરમાણુ વિસ્ફોટની સ્થિતિમાં નાગરિકોએ તાત્કાલિક મજબૂત ઇમારતો અથવા ભૂગર્ભ બેઝમેન્ટમાં આશરો લેવો જોઈએ અને બારીઓથી દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત, બહારની હવા અંદર આવતી અટકાવવા માટે તમામ દરવાજા-બારીઓ બંધ કરી દેવા અને એર-કંડિશનર (AC) તથા વેન્ટિલેશન સિસ્ટમ બંધ રાખવાની કડક સૂચના આપવામાં આવી છે. હુમલા કે વિસ્ફોટ બાદ રેડિયેશનની અસરોથી બચવા માટે નાગરિકોને ઓછામાં ઓછા ૨૪ કલાક સુધી ઘરની અંદર જ સુરક્ષિત રહેવા માટે જણાવવામાં આવ્યું છે.