“અમે તમને શોધી કાઢીશું” : ઈરાનની અમેરિકી નૌકાદળના અધિકારીઓને ખુલ્લી ધમકી

વાશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાને અમેરિકી નૌકાદળના બે અધિકારીને ખુલ્લી ધમકી આપી છે કે “અમે તમને શોધી કાઢીશું”. આ ધમકી ઈરાનના દક્ષિણ આફ્રિકા સ્થિત દૂતાવાસ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે, જેમાં યુએસ નેવીના યુદ્ધ જહાજ ‘યુએસએસ સ્પરૂએન્સ’ (USS Spruance) ના કમાન્ડર લી આર. ટેટ (Leigh R Tate) અને એક્ઝિક્યુટિવ ઓફિસર જેફરી ઇ. યોર્ક (Jeffrey E York) ના ફોટોગ્રાફ્સ સાથે આ ચેતવણી આપવામાં આવી છે.ઈરાનનો આરોપ છે કે આ બંને અધિકારીઓએ મિનાબ વિસ્તારમાં આવેલી એક એલિમેન્ટરી (પ્રાથમિક) શાળા પર ટોમાહોક મિસાઈલ હુમલો કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં ૧૬૮ બાળકોનાં મોત થયા હતા. આ હુમલા બાદ ઈરાને આ અધિકારીઓને નિશાન બનાવ્યા છે. તાજેતરમાં જ ‘યુએસએસ સ્પરૂએન્સ’ ૩૫૭ દિવસનું લાંબુ મિશન પૂરું કરીને સાન ડિએગો પરત ફર્યું છે, ત્યારબાદ ઈરાન તરફથી આ ગંભીર ધમકી સામે આવી છે. સુરક્ષા નિષ્ણાતોએ આ ચેતવણીને વોશિંગ્ટન માટે ગંભીર સુરક્ષા જોખમ ગણાવ્યું છે.

બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો ઈરાન દ્વારા કોઈ વરિષ્ઠ અમેરિકી અધિકારીને નિશાન બનાવવામાં આવશે, તો તેનો અસ્તિત્વ જ ખતમ કરી દેવામાં આવશે. આ ધમકીઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે અને યુએસ સત્તાવાળાઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી રહી છે.