નવી દિલ્હીઃ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. હાલમાં બંને દેશો વચ્ચે ભયંકર અથડામણ ચાલી રહી છે. ઈરાને ઇઝરાયલ પર જોરદાર વળતો હુમલો કર્યો છે. ઈરાને ઇઝરાયલ તરફ 70 બેલિસ્ટિક મિસાઇલો દાગી છે. ઇઝરાયલની સેના IDFએ જણાવ્યું છે કે ઈરાન તરફથી ઇઝરાયલ તરફ બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ થવાની ઓળખ થઈ છે અને દેશમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
ઇઝરાયલનાં જે શહેરો ઈરાની મિસાઇલોની ઝપેટમાં આવ્યાં છે, તેમાં યેરુશલેમ, હાઇફા અને શેફેલ્લાહ જેવાં શહેરો સામેલ છે. ઈરાને બીજી વખત પણ ઇઝરાયલ તરફ મિસાઇલોની એક વધુ ખેપ મોકલી છે. ઇઝરાયલ પોતાની સંપૂર્ણ ક્ષમતાથી આ મિસાઇલોને નિષ્ફળ બનાવી રહ્યું છે.
અહેવાલ મુજબ ઉત્તર ઇઝરાયલમાં અનેક વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. ઇઝરાયલે પોતાની એન્ટી-મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે. દેશમાં રાષ્ટ્રીય ઈમરજન્સી અને વિશેષ ઇમર્જન્સી સ્થિતિ જાહેર કરવામાં આવી છે. દેશભરમાં સાયરન વાગી રહ્યા છે અને નાગરિકોને સુરક્ષિત સ્થળો (બોમ્બ શેલ્ટર) નજીક રહેવા સૂચના આપવામાં આવી છે. થોડી જ વારમાં IDFએ જણાવ્યું હતું કે ઈરાનથી ઇઝરાયલ તરફ છોડાયેલી મિસાઇલોની ઓળખ કરવામાં આવી છે. આ ખતરાને નિષ્ક્રિય કરવા માટે રક્ષણાત્મક પ્રણાલીઓ કાર્યરત છે. છેલ્લી કેટલીક મિનિટોમાં હોમ ફ્રન્ટ કમાન્ડે સંબંધિત વિસ્તારોમાં સીધા મોબાઇલ ફોન પર સાવચેતીના નિર્દેશો મોકલ્યા છે.

બીજી બાજુ, ઈરાને તાત્કાલિક અસરથી ઈમર્જન્સી જાહેર કરી છે. અમેરિકા તરફથી પણ ઈરાનને સતત ચેતવણીઓ આપવામાં આવી રહી હતી. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમિનીના કાર્યાલયને શનિવારે નિશાન બનાવવામાં આવ્યું હતું. એક અધિકારીના હવાલે દાવો કર્યો હતો કે ખોમિની તહેરાન છોડીને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. હાલ ઈરાનના સર્વોચ્ચ નેતાનું ચોક્કસ સ્થાન ગુપ્ત રાખવામાં આવ્યું છે અને આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.




