IRCTCની વેબસાઇટ, એપ અને RailOne બધું જ ફેલ!

નવી દિલ્હીઃ દિવાળીએ ઘરે જવાની તૈયારી કરી રહેલા લાખો મુસાફરો માટે આ વખતે પણ ટ્રેનની ટિકિટ બુક કરવી કોઈ જંગથી ઓછી નથી. રેલવે સતત દાવો કરતું રહ્યું છે કે IRCTCની વેબસાઇટ પહેલાંની સરખામણીએ વધુ ઝડપી બની છે અને ટિકિટ બુકિંગની ક્ષમતા પણ વધારવામાં આવી છે, પરંતુ જમીની હકીકત સાથે તેનો કોઈ મેળ ખાતો નથી. છેલ્લા ત્રણ દિવસથી 5, 6 અને 7 નવેમ્બરની મુસાફરી માટે ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરી રહેલા લોકોને વારંવાર નિરાશા મળી રહી છે.

વેબસાઇટથી લઈને એપ સુધી, દરેક જગ્યાએ મુશ્કેલી

મુસાફરોની ફરિયાદ છે કે ટિકિટ બુકિંગનો સમય સવારે આઠ વાગ્યે શરૂ થતાં જ IRCTCની વેબસાઇટ અને મોબાઇલ એપ પર ભારે લોડનું એરર દેખાવા લાગે છે. રેલવેની નવી RailOne એપ પર પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ઘણા લોકો સતત લોગિન અને પેમેન્ટ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ટિકિટ બુક થાય તે પહેલાં જ સીટો ભરાઈ જાય છે.

શું એજન્ટો અને દલાલો તમામ ટિકિટ લઈ જાય છે?’

સોશિયલ મિડિયા પર મુસાફરોનો ગુસ્સો સતત જોવા મળી રહ્યો છે. ઘણા લોકો સવાલ કરી રહ્યા છે કે જો સામાન્ય મુસાફર પોતે ટિકિટ બુક કરી શકતો નથી, તો પછી એજન્ટો અને દલાલો પાસે ટિકિટ આટલી સરળતાથી કેવી રીતે પહોંચી જાય છે? એક મુસાફરે પોતાની મુશ્કેલી જણાવતાં કહ્યું હતું કે તે સામાન્ય મજૂર માણસ છે અને સવારે આઠ વાગ્યે ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ દરરોજ હાઈ લોડનો મેસેજ આવી જાય છે. વેબસાઇટ સામાન્ય સ્થિતિમાં આવે ત્યાં સુધીમાં સીટો પૂરી થઈ જાય છે. બીજી તરફ, દલાલો તરત ટિકિટ ઉપલબ્ધ કરાવવાની વાત કરે છે.

દિવાળીએ ઘરે જવું મુશ્કેલ બન્યું

દિવાળી જેવા તહેવાર પર ઘરે જવું માત્ર ફરવા જવાની વાત નથી. મોટી સંખ્યામાં નોકરી કરતા લોકો, મજૂરો અને અન્ય રાજ્યોમાં રહેતા લોકો પરિવાર સાથે તહેવાર ઊજવવા માટે ટ્રેન પર નિર્ભર રહે છે. આવી સ્થિતિમાં ટિકિટ ન મળવી તેમના માટે માત્ર ઓનલાઈન ટેક્નિકલ સમસ્યા નથી, પરંતુ પરિવારને મળવાની મજબૂરી વચ્ચે મોટી મુશ્કેલી બની જાય છે.